જૈન સમાજ અને દરજી યુવાઓ રોજના 1 લાખ માસ્ક તૈયાર કરી કચ્છ પંથકમાં વિતરણ કરે છે

કોરોના જંગના મૂક યોદ્ધાઓને મુખ્યમંત્રીશ્રીએ વિડીયો કોન્ફરન્સથી અભિનંદન પાઠવ્યા

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસ કોવિડ-19 સામેના જંગમાં મૂક યોદ્ધા તરીકે સેવાકાર્ય થકી રોજના ૧ લાખ માસ્ક બનાવી વિનામૂલ્યે વિતરણ કરતા કચ્છી યુવાઓની સેવાપરાયણતાને અભિનંદન પાઠવ્યા છે.

માધાપર (કચ્છ) જૈન સમાજ અને દરજી યુવાઓ સંયુકતપણે રોજના ૧ લાખ માસ્ક તૈયાર કરે છે અને વહિવટીતંત્રના સહયોગથી વિનામૂલ્યે તેનું વિતરણ કરી કોરોના વાયરસ સંક્રમણને ફેલાતું અટકાવવાના મૂક સિપાઇ બન્યા છે.

રૂપાણીએ આ સેવાવ્રતીઓ સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ સંવાદ કરીને તેમની સેવાભાવનાને બિરદાવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ લડાઇ લાંબી છે અને જનસહયોગ-લોકજાગૃતિ અને સ્વયં માસ્ક બાંધી રાખવો, વારંવાર હાથ ધોવા જેવા નિયમોના અનુપાલનથી આપણે તેમાં પાર ઉતરવાનું છે.

તેમણે આ સેવાવ્રતીઓની સેવાને ઇશ્વરીય કાર્ય ગણાવતા કહ્યું કે, ઇશ્વરે માનવ સેવાના સારા-ઉમદા કાર્ય કરવાની તમને સૌને પ્રેરણા આપી છે એટલે તમને સૌને આ માસ્ક બનાવવાની અને તેનું વિતરણ કરીને કોરોના વાયરસની આ કપરી સ્થિતીમાં જીવન બચાવવાની સેવા તક મળી છે.

‘‘માસ્ક ન પહેરનાર વ્યકિત સ્વયં તો સંક્રમિત થાય છે જ પરંતુ પોતાના મ્હોમાંથી થૂંક-લાળ કે વાતચીત દ્વારા નીકળતા વાયરસથી અન્યને પણ સંક્રમિત કરે છે એટલે કે આત્મહત્યા અને ખૂન બેય ગૂના કરે છે’’ એવો મત વ્યકત કરતાં વિજયભાઇ રૂપાણીએ આ બે-બે ગૂનામાંથી શકય તેટલા વધુ લોકોને બચાવવાના પ્રેરણા કાર્ય માટે માસ્ક બનાવવાથી વિતરણ સુધીની સેવાપ્રવૃત્તિમાં જોડાયેલા સૌને બિરદાવ્યા હતા અને કચ્છને કોરોનામુકત રાખવાનો સંકલ્પ પાર પાડવા અપિલ કરી હતી.

આ યુવાઓએ પણ કોરોના સામેના જંગમાં રાજ્ય સરકાર મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં જે ઝડપી અને અસરકારક પગલાં લઇ રહી છે તેનો આભાર વ્યકત કર્યો હતો.