અરબી સમુદ્રમાં ઊભું થયેલું વાવાઝોડું કચ્છ ઉપર ત્રાટકશે

એક બાજુ રાજ્યમાં કોરોનાનો કહેર પ્રવર્તી રહ્યો છે, ત્યારે હવે ગુજરાત પર વાવાઝોડાંનું સંકટ ઊભું થયું છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે અને તે સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે આ વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છને વધુ અસર કરશે તેવાં એંધાણ દેખાઈ રહ્યાં છે.જેને લઈને કચ્છનું તંત્ર એલર્ટ બન્યું છે.

ગુજરાતમાં વાવાઝોડું ચોથી અને પાંચમી જૂનના રાજ્યના ઓખા, દ્વારકા અને મોરબી થઈ કચ્છ તરફ ફંટાય તેવી દહેશત છે. અલબત્ત, એક આગાહી એવી પણ છે કે ડીપ ડિપ્રેશન ઓમાન તરફ વધશે. વાવાઝોડું કંડલા અને આજુબાજુના વિસ્તારોને ધમરોળીને રાજસ્થાન તરફ ફંટાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

અગાઉ આ વાવાઝોડું ઓમાનના અખાત તરફ ફંટાવાનું હતું, પરંતુ અરબી સમુદ્રમાં છેલ્લા ચાર દિવસ દરમ્યાન સર્જાયેલ ડીપ ડિપ્રેશનના કારણે આ વાવાઝોડું ગુજરાત તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. જેને લઈને પોલીસ અને વહીવટી તંત્ર એલર્ટ થયું છે અને તકેદારીના ભાગરૂપે તમામ પગલાં લેવાઈ રહ્યા છે.

કચ્છ સમુદ્ર વિસ્તારમાં એલર્ટના પગલે સુરક્ષા એજન્સી સતર્ક પણ બની છે અને દરિયાઈ સુરક્ષાને ધ્યાને રાખીને પેટ્રોલિંગ પર હાથ ધરાયુ છે,સાથે જ માછીમારોના વિસ્તારમાં જો વાવાઝોડાના પગલે સ્થળાંતરની સ્થિતિ સર્જાય તો તેને પોહચી વળવા તમામ તૈયારીઓ હાથ ધરાઈ છે. એવું પૂર્વ કચ્છના એસપી પરીક્ષિતા રાઠોડ એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.