દહેગામ ડેપોમાંથી મોડીરાત્રે એસ.ટી.બસની ઉઠાંતરી

દહેગામ એસ ટી ડેપોમાં પડેલી બસને અજાણ્યો શખસ મોડી રાત્રે ઉઠાવી ગયો હતો. ડેપોમાંથી બસની ચોરીની જાણ થતાં જ ડેપોના કર્મચારીઓએ દોડધામ કરીને શોધખોળ કરી હતી. તેમાં બસ હરખજીના મુવાડા પાસે રોડની સાઇડમાં બસ મળી આવતા ડેપોના તંત્રને રાહત થઇ હતી.

દહેગામ એસટી ડેપોમાં રખાયેલી GJ-18-Z-5595 નંબરની એસટી બસ મોડી રાત્રે કોઈ અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો હતો. જેણે જાણ તંત્રને વહેલી સવારે થતાં તેઓમાં દોડધામ મચી ગઇ હતી. દરમિયાન ગુમ થયેલી બસ તાલુકાના હરખજીનામુવાડા નજીક રોડ પાસેથી મળી આવતા ડેપોના અધિકારીઓ અને કર્મચારીઓને રાહતનો દમ લીધો હતો.

દહેગામ ડેપોમાંથી ગુમ થયેલી બસ અંગેની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી. જોકે બસ કોણ ઉઠાવી ગયું એને કેમ ઉઠાવી ગયું તે અંગે જાણી શકાયું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક મહિનાઓ પહેલાં નિર્માણ થયેલા ડેપોમાં સીસીટીવી કેમેરા લગાવેલા નથી. આ અંગે ડેપો મેનેજર હાર્દિક રાવલે જણાવ્યુ કે ટૂંક સમયમાં એસટીની વિભાગીય કચેરી દ્વારા કેમેરા લગાવવાની કામગીરી કરાશે જણાવ્યું હતું.