હિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માગે મોત; કર્યો વિશ્વાસઘાત માફ નહીં કરે જગન્નાથ

રામના નામે માગ્યા વોટ જગન્નાથ માટે મનમાં કેમ ખોટ? જજીસ બંગલો વિસ્તારમાં આવું લખાણ લખેલા પોસ્ટર લાગ્યા

અષાઢી બીજે અમદાવાદમાં ભગવાન જગદીશની ૧૪૩મી રથયાત્રા નગર ચર્યાએ નીકળી શકી ન હતી અને ખંડિત થઈ હતી તેના બીજા દિવસે જગદીશ મંદિરના મહંત અને સરસપુર મંદિરના મહંતે ભાજપ સરકાર તેમજ હાઈકોર્ટની સામે આક્રોશ ઠાલવ્યો હતો. જોકે, સરકારે સમજાવટ કરતા બંને મહંતોએ સમાધાન કરી લીધું હતું અને ફેરવી તોળ્યું હતું કે અમને સરકાર સામે કોઈ વાંધો નથી પરંતુ મનમાં કચવાટ રહી ગયો છે એ હકીકત છે
કહેવાતા સમાધાન બાદ અને મહંતો માની ગયા છે એવું મહોલ ઊભો કર્યા પછી આજે બપોરે અમદાવાદના પોશ ગણાતા જજીસ બંગલો વિસ્તારમાં મહંતોના ફોટા સાથે કેટલીક જગ્યાએ બેનરો લાગ્યા છે જેમાં એવું લખ્યું છે કે ભાજપના સરકારમાં મહંતો માગે છે મોત તથા કર્યો વિશ્વાસઘાત અને માફ નહીં કરે જગન્નાથ અને રામના નામે માગ્યા વોટ જગન્નાથ માટે મનમાં કેમ ખોટ? જાણકારો કહે છે કે ભૂતકાળમાં રથયાત્રા કે મંદિરના મહંતોના સંદર્ભમાં આડકતરી રીતે સરકારનો વિરોધ કરતા આવા પોસ્ટર ક્યારેય લાગ્યા નથી.

આ પોસ્ટરો ઘણું બધું કહી જાય છે અને ખૂબ જ ગંભીર બાબત છે કારણ કે આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટા ચૂંટણી અને ત્યારબાદ આઠ મહાનગરપાલિકાઓ સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે સૂત્રો જણાવે છે કે રથયાત્રા નહીં નીકળતા આ હિન્દુવાદી સરકારને લોકો પાઠ ભણાવશે એવું લાગી રહ્યું છે.