મયુરી જૈન દ્રારા સમગ્ર ભારતના જીવદયા પ્રેમીઓનો ડેટાબેઈઝ ધરાવતી વેબસાઈટ શરૂ થઈ

શ્રીમતી મેનકા સંજય ગાંધીનો સહયોગ: સૌ જીવદયા પ્રેમીઓને પોતાની વિગતો વેબસાઈટમાં રજીસ્ટર્ડ કરાવવા અપીલ

વૈશ્વિક કક્ષાએ જીવદયા અને પશુ કલ્યાણ માટે જબરદસ્ત પ્રવૃતિઓ દશકાઓથી કરનાર અને અત્યાર સુધીમાં કરોડો અબોલ જીવોને બચાવવામાં નિમિત બનનાર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલમાં સાંસદ તેમજ ‘પીપલ્સ ફોર એનીમલ્સ’ના ચેરમેન શ્રીમતી મેનકા સંજય ગાંધીજીના સહયોગથી મયુરી જૈન (પુણે) દ્રારા www.animalvolunteersofindia.in નામની વેબસાઈટ શરૂ કરાઈ છે.

આ વેબસાઈટમાં સમગ્ર ભારતના જીવદયાક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ, કાર્યકર્તાઓની યાદી આપવામાં આવી છે. અત્યારસુધીમાં ૩૭૦ શહેરોના, ૨૫ રાજયોના, ૧૩૦૦૦ જેટલા કાર્યકર્તાઓ, સંસ્થાઓની નોંધણી થઈ ચૂકી છે. વેબસાઈટમાં સમગ્ર ભારતમાં વિવિધ શહેરોમાં અને ગામોમાં અંદાજે જેઓ પ્રાણીઓને ખોરાક દેતા હોય, જેઓ પ્રાણીઓને બચાવતા હોય, જેઓ કોઈ જીવદયા કલ્યાણ સંસ્થાના સભ્ય હોય, પ્રાણીઓને બચાવવા કાયદાકીય કાર્યવાહી કરતા હોય કે પશુ-પક્ષીઓની સારવાર માટે નિઃશુલ્ક તબીબી સારવાર/મદદ કરતા હોય તેવાની યાદી કરી લગભગ ૨૫૦૦૦ લોકોનો ડેટાબેઈઝ તૈયાર કરવાની ગણતરી છે. સૌ જીવદયા પ્રેમીઓને, પશુ આશ્રય સંસ્થાઓ, પાંજરાપોળો, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીઓ, જીવદયા સંસ્થાઓ વિગેરેને પોતાનું પૂરું નામ, સરનામું, ફોન નંબર, મો.નંબર અને ઈ–મેઈલ એડ્રેસ મયુરી જૈનને info@animalvolunteersofindia.in પર મોકલી દેવા એનીમલ હેલ્પલાઈનના મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણીની યાદીમાં જણાવાયું છે.