વિપક્ષના વિરોધ-હંગામા વચ્ચે રાજ્યસભામાં મોદી સરકારનું કૃષિ બિલ પાસ

સંસદના મોનસુન સત્રનો આજે સાતમો દિવસ છે. સરકારે રાજ્યસભામાં કૃષિ સંબંધિત બીલ રજૂ કર્યા તેમજ ઉપલા ગૃહમાં બિલ અંગે ચર્ચા કર્યા પછી કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે જવાબ આપ્યો એ દરમિયાન વિપક્ષના સાંસદોએ જોરદાર હંગામો મચાવ્યો હતો. સાંસદોએ ઉપસભાપતિના નિર્ણય પર હોબાળો મચાવ્યો હતો. ખરેખર, સદનની કાર્યવાહી બપોરે 1 વાગ્યે પૂર્ણ થવાની હતી પરંતુ સભાપતિએ બિલ પસાર થાય ત્યાં સુધી કાર્યવાહી લંબાવવાનો નિર્ણય લીધો હતો. વિપક્ષના સાંસદોએ તેના પર હોબાળો મચાવ્યો. સાંસદોએ નિયમ બુક ફાડી નાખી તેમજ માઇકને પણ તોડ્યું હતું.

નોંધનીય છે કે, પંજાબ અને હરિયાણા સહિત દેશના ખેડૂતોના વિરોધ વચ્ચે પણ કૃષિ બિલો લોકસભામાં પસાર થઈ ગયા હતા. જેને પગલે ખેડૂતોએ તેમનું આંદોલન ઉગ્ર બનાવ્યું અને કૃષિ બિલોનો જોરદાર વિરોધ કર્યો હતો. રાજ્યસભામાં NDAની બહુમતી ન હોવાથી આ બિલો પસાર કરવા મોદી સરકારે ખાસ રણનીતિ બનાવી હતી.