રાજ્યસભાની ગુજરાતની ચાર બેઠકોમાંથી ભાજપને ત્રણ તથા કોંગ્રેસને એક બેઠક મળશે

કોંગ્રેસના નેતાઓએ ભરત સિંહને જીતાડવા માટેના છેલ્લી ઘડી સુધીના મરણિયા પ્રયાસો કર્યા પરંતુ ભાજપ પાસે પનો ટૂંકો પડ્યો

આખરે અગાઉની ધારણા અને અપેક્ષા મુજબ જ રાજ્યસભાની ગુજરાતની ચાર બેઠકો માટેની યોજાયેલી ચૂંટણીમાં ભાજપને ત્રણ બેઠક જ્યારે કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળશે. આજે સાંજે ચાર વાગ્યે ગાંધીનગરમાં મતદાન પૂર્ણ થયું હતું.

જેમાં ભાજપના 103 અને કોંગ્રેસના 65 સભ્યોએ મતદાન કર્યું હતું પક્ષનો વ્હીપ હોવા છતાં એનસીપીના કાંધલ જાડેજાએ આદેશનો અનાદર કરીને ભાજપને મત આપ્યો છે. જ્યારે અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસના ભરતસિંહ સોલંકીને મત આપ્યો હતો કોંગ્રેસના શક્તિસિંહ 36 મળ્યા હતા જ્યારે ભરતસિંહને માત્ર 30 મળ્યા છે. આમ ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક-એક ઉમેદવારનો વિજય થયો છે જોકે સાંજે પાંચ વાગ્યે મતગણતરી થશે અને સત્તાવાર પરિણામ જાહેર કરાશે.

બીજી બાજુ ભાજપમાંથી નરહરી અમીનની જીત નિશ્ચિત થઇ જતા તેના ચાહકોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે. રાજ્યમાં અનેક જગ્યાએ ભાજપના આગેવાનો તથા કાર્યકરોએ ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવ્યો છે. અત્રે નોંધનીય છે કે લોકડાઉન પહેલા ભાજપે કોંગ્રેસના પાંચ ધારાસભ્યોને અને લોકડાઉન બાદ કોંગ્રેસના વધુ ત્રણ ધારાસભ્યો મળી કુલ આઠ-દસ સભ્યોને કોંગ્રેસમાંથી રાજીનામાં અપાવીને બાજી પલટી નાંખી હતી જો આ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા ન હોત તો કોંગ્રેસ 72 ધારાસભ્યો સાથે બે બેઠકો સરળતાથી જીતી શક્યું હોત.