PM મોદીના હસ્તે દિવાળી પહેલા ગુજરાતને ત્રણ મોટા પ્રોજેકટની મળી ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવરાત્રિ ઉત્સવની અષ્ટમીએ એશિયાના સૌથી મોટા રોપ-વે ગિરનાર પર્વત પર રોપવે અને યુ.એન.મહેતા હાર્ટ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટનો વવર્ચ્યુલ ઈ-લોકાપર્ણ કર્યું જ્યારે ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજના લોન્ચ કરી આમ નવી દિલ્હીથી વિડીયો લીંક દ્વારા પીએમ મોદીએગુજરાતને ત્રિવિધ વિકાસ પ્રકલ્પોની ડિઝીટલ માધ્યમથી ભેટ અર્પણ કરી. ગીરનાર રોપ-વેના ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સૌરાષ્ટ્રના જુનાગઢથી તેમજ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અમદાવાદથી આ ઇ-લોકાર્પણમાં સહભાગી થયા.

એશિયાની સૌથી મોટી સિવીલ હોસ્પિટલ અમદાવાદ કેમ્પસમાં કાર્યરત યુ.એન.મહેતા હાર્ટ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટને રૂા. ૪૭૦ કરોડના ખર્ચે વધુ સુસજ્જ બનાવીને અત્યાધુનિક સાધન-સારવારથી સજ્જ કરાઇ છે. હૃદયરોગની શ્રેષ્ઠ સારવાર આપતી આ હોસ્પિટલમાં ૮૫૦ પથારીની સુવિધા ઉપલબ્ધ બની છે. ઉપરાંત નાના બાળકો કે જન્મતાની સાથે કે જન્મ્યા બાદ હૃદયની બિમારી ધરાવતા હોય તેમને હૃદયરોગની સઘન સારવાર આપવા માટે અલાયદી વ્યવસ્થા આ હોસ્પિટલમાં ઉભી કરાઇ છે તેનું ઇ-લોકાર્પણ વડાપ્રધાનશ્રી દ્વારા કરાવાનું છે. વડાપ્રધાન આ ઉપરાંત, ઐતિહાસિક તીર્થ નગરી જુનાગઢના ગિરનાર પર્વતની ટોચે ભગવાન દત્તાત્રેયના દર્શન કરવા 10 હજાર પગથિયા ચડીને જવું પડતું હતું હવે વૃદ્ધ,મહિલા અને બાળકો રોપ-વેના માધ્યમથી ગીરનાર પર્વત પર જઈ શકશે.

એશિયાના સૌથી લાંબા ૨.૩ કિ.મી. લંબાઇ ધરાવતાં તેમજ દેશના અદ્યતન ટેકનોલોજીયુકત આ રોપ-વે દ્વારા રોજના હજારો યાત્રિકો હવે સરળતાએ અને પગથિયા ચડયા વિના ગિરનારની ટોચે પહોચી શકશે. પ્રત્યેક ટ્રોલી કેબિનમાં ૮ વ્યકિતની ક્ષમતા ધરાવતી કુલ રપ ટ્રોલી કેબિન આ રોપ-વે માં કાર્યરત રહેશે અને દર કલાકે બેય તરફ ૮૦૦ જેટલા યાત્રિકો અવર-જવર કરી શકશે.

ગુજરાતની વિશ્વખ્યાતિ સમા એશિયાટીક લાયન જોવા માટે આવતા લાખ્ખો પર્યટકો માટે પણ આ રોપ-વે એક નવું પ્રવાસન નજરાણું બનશે. રોપ-વે દ્વારા ગીરનારના જંગલને ઊંચાઇએથી જોવાનો અનેરો આહલાદ લ્હાવો પર્યાવરણ પ્રેમીઓને મળશે જેના પરિણામે રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. તથા સ્થાનિક કક્ષાએ વધુ રોજગારીનું પણ સર્જન થશે. વડાપ્રધાન આ બે વિકાસ પ્રકલ્પો સાથે રાજ્યના ધરતીપુત્રોને સિંચાઇ-ખેતી માટે દિવસે વીજળી આપતી કિસાન સૂર્યોદય યોજનાના પ્રથમ ચરણનો પણ શનિવારે વર્ચ્યુઅલ પ્રારંભ કરાવશે.

રાજ્યના દાહોદ, જુનાગઢ અને ગિર-સોમનાથના ૧પ૭૦ ગામોના ધરતીપુત્રોને પ્રથમ તબક્કે આ કિસાન સૂર્યોદય યોજના તળે આવરી લેવાશે. કિસાન સૂર્યોદય યોજના ” હેઠળ ખેડૂતને ખેતીવાડીના વપરાશ માટે દિવસ દરમ્યાન વીજ પુરવઠા માટે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ અંતિત ૧૭૫ ગીગાવોટ બિનપરંપરાગત ઊર્જા ઉત્પાદન ક્ષમતા પ્રસ્થાપિત કરવાનો લક્ષ્યાંક નિશ્ચિત કરવામાં આવ્યો છે જેમાં ૧૦૦ ગીગાવોટ (૧ લાખ મેગાવોટ) સૌર ઊર્જાનો તથા ૭૫ ગીગાવોટ (૭૫૦૦૦ મેગાવોટ) પવન ઊર્જાનો સમાવેશ છે.