ગુજરાતનું ગૌરવ : FSSAI દ્વારા જાહેર કરાયેલા ફૂડ સેફ્ટી ઈન્ડેક્સમાં સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે

વર્લ્ડ ફુડ સેફટી દિવસની ઉજવણી પ્રસંગે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનની ઉપસ્થિતિમાં ગુજરાતને એવાર્ડ એનાયત

રાજ્યોની ફુડ સેફટી એક્ટની કામગીરી અને ફુડના કાયદાના અસરકારક અમલીકરણ-કામગીરીનું મુલ્યાંકન કરવામાં આવ્યું

તા. ૦૭મી જુન, ૨૦૨૦ના રોજ વર્લ્ડ ફુડ સેફટી દિવસની ઉજવણી પ્રસંગે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા રાજ્યોની ફુડ સેફટી એક્ટની કામગીરી અને ફુડના કાયદાના અસરકારક અમલીકરણ-કામગીરીનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતુ. જેમાં દેશના ૨૦ મોટા રાજ્યો પૈકી ગુજરાત રાજ્યનો પ્રથમ ક્રમ આવ્યો છે. જે રાજ્ય માટે અને રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર માટે ગૌરવની બાબત છે. તો બીજી તરફ આ મૂલ્યાંકનમાં તમિલનાડુ બીજા ક્રમે, મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે અને કેરળ રાજ્યનો ચોથા ક્રમે સમાવેશ કરવામાં આવ્યો છે.

આ એવોર્ડની પસંદગીમાં મુખ્ય પાંચ બાબત ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં, ફૂડ સેફ્ટી અંગે કાયદા-નિયમોનું પાલન, ખોરાકના નમુનાનું પૃથ્થકરણ-ક્ષમતા અને સર્વેલન્સ, કન્ઝ્યુમર એમ્પાવરમેન્ટ, સ્ટાફ-ખાદ્ય ઉત્પાદકો અને વેપારીની ટ્રેનિંગ તથા તંત્ર પાસે ઉપલબ્ધ માનવબળ અને બેસ્ટ પ્રેક્ટિસીસનો સમાવેશ થાય છે.

આ એવોર્ડ વર્લ્ડ ફુડ સેફટી દિવસ નીમિત્તે Food Safety & Standard Authority of India, New Delhi દ્વારા આયોજીત વર્ચ્યૂઅલ કાર્યક્રમમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન, રાજ્ય કક્ષા મંત્રીશ્રી અશ્વિનીકુમાર ચૌબે, યુનીયન હેલ્થ સેક્રેટરી પ્રીતિ સુદાન, FSSAI ચેરપર્સન શ્રીમતી રીટા ટીઓટીયા તથા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના CEO શ્રી અરુણ સિંઘલની ઉપસ્થિતિમાં આ એવાર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ.જી કોશિયાએ યાદીમાં જણાવ્યું છે.