સાવધાન! સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલો કર્યો તો 7 વર્ષ સુધીની સજા

કોરોના વાયરસની મહામારીના સંકટ વચ્ચે સ્વાસ્થ્યકર્મીઓ પર સતત થઈ રહેલા હુમલાને પગલે મોદી સરકારે મહત્તવનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં એક વટહુકમ પસાર કરવામાં આવ્યો છે. જેને પગલે હવે સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલો કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. જેમાં 3 માસથી 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લીધેલા નિર્ણયની જાણકારી આપી છે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે અમુક જગ્યાએ ડોકટરો પર હુમલો થયાની માહિતી મળી હતી જેને સરકાર સહન કરશે નહીં. સરકારે આ માટે વટહુકમ લાવ્યો છે. જે અંતર્ગત કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે.

તેમજ કહ્યું કે મેડીકલકર્મીઓ પર હુમલો કરનારને જામીન મળશે નહી અને 30 દિવસની અંદર તપાસ પૂરી થશે તેમજ 1 વર્ષની અંદર નિર્ણય લેવામાં આવશે જ્યારે 3 માસથી 5 વર્ષની સજા થઈ શકે છે.

તે ઉપરાંત ગંભીર મામલોમાં 6 માસથી 7 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે તેમજ 50 હજારથી 2 લાખ સુધીનો દંડ કરવામાં આવશે.વટહુકમ મુજબ, જો કોઈ આરોગ્ય કર્મચારીની કાર પર હુમલો કર્યો તો બજાર મૂલ્યના બેગણું ભરપાઈ કરવામાં આવશે.