અમદાવાદમાં વીજળીના કડાકા અને ભારે પવન વચ્ચે વરસાદ

ગાંધીનગર અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ સવારથી જ વરસાદ શરૂ થયો છે

ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં આજે શુક્રવારે સાંજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને શહેરના પૂર્વના અનેક વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ત્રાટક્યો છે. વરસાદ પહેલા ભારે પવન ફૂંકાયો હતો અને તે અગાઉ આજે સવારથી જ અસહ્ય ઉકળાટ હતો જોકે, છેલ્લા ઘણા દિવસોથી ખૂબ જ ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે.

દરમિયાનમાં બપોરે 4વાગ્યા પછીથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ધસી આવ્યા હતા અને વાતાવરણ એકાએક પલટાઈ ગયું હતુ. અને 5 વાગ્યા બાદ ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો જેથી વિઝિબિલિટી ઘટવાને પગલે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે અમદાવાદમાં આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે.