RBI રેપો રેટ ઘટાડી 4 ટકા કર્યો, લોન સસ્તી થશે

કોરોના વાઈરસની જંગ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફરી એક વાર રેપો રેટમાં કાતર ફેરવી છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટ ઘટાડીને 4 ટકા કર્યો છે. તેમજ RBIએ રિવર્સ રેપો રેટ પણ ઘટાડીને 3.35 ટકા કર્યો છે. રેપો રેટમાં ઘટાડાને પગલે હવે લોન સસ્તી થશે.

ગવર્નરે કહ્યું કે 2020-21માં જીડીપી ગ્રોથ નેગેટિવ ક્ષેત્રમાં રહેવાની શક્યતા છે. છ સભ્યોની નાણાકીય નીતિ સમિતિએ વ્યાજ દરમાં 0.40 ટકા કાપ પક્ષમાં 5: 1 મત આપ્યો હતો. ભારતમાં માંગ ઘટી રહી છે. તેમજ વિજળી,પ્રેટ્રોલિયમ પેદાશોના વપરાશમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોવિડ-19ના કારણે વ્યક્તિગત વપરાશને સૌથી વધુ ફટકો પડ્યો છે. સાથે મંદ આર્થિક પ્રવૃતિને કારણે સરકારની આવકમાં ગંભીર અસર થઈ છે.

ઉલ્લેખનીય છે કે કોરોના સંકટ વચ્ચે વડાપ્રધાન મોદીએ 20 લાખ કરોડ આત્મનિર્ભર સહાય પેકેજની ઘોષણા કરી હતી. જેના ભાગરૂપે નાણામંત્રી નિર્મલા સીતારમને આત્મનિર્ભર પેકેજની વિસ્તૃત જાણકારી સતત પાંચ દિવસ પ્રેસ કોન્ફરન્સ કરીને આપી હતી. તેમજ નાણામંત્રી કહ્યું હતું આ પેકેજથી દેશના અર્થતંત્ર પુન જીવત કરવામાં મદદ મળશે.