સરકારી કંપનીઓનું વીજ ઉત્પાદન ઘટાડીને ખાનગી કંપની પાસેથી 90,000 કરોડની જંગી વીજખરીદી કરી

ભાજપે 23 વર્ષના શાસનમાં ખાનગી વીજકંપનીઓને તગડો નફો કરાવીને સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાડ્યો

કોલસાની ખરીદી સ્પર્ધાત્મક દરે કરવાનો અને ભાવમાં ઘટાડાનો લાભ લોકોને આપવાનો સરકારનો દાવો સપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારો છે. ભાજપા સરકાર અને ખાનગી વીજ કંપનીઓની ગોઠવણને લીધે ગુજરાતનાં સામાન્ય અને મધ્યમ વર્ગને લુંટતા કૌભાંડનો સત્તાવાર આંકડાઓનાં આધારે પર્દાફાશ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીનાં મુખ્યપ્રવકતા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું કે ગુજરાત સરકારે પાવર પરચેસ એગ્રીમેન્ટ વર્ષ ૨૦૦૭માં અદાણી પાવર લીમીટેડ ૧૦૦૦ મેગાવોટ પ્રતિયુનિટ ૨.૮૯ રૂપિયા (આયાતી કોલસા), અદાણી પાવર લીમીટેડ ૧૦૦૦ મેગાવોટ પ્રતિયુનિટ ૨.૩૫ રૂપિયા ( સ્થાનિક+આયાતી કોલસા ), કોસ્ટલ ગુજરાત પાવર (ટાટા) ૬૦૦ મેગાવોટ પ્રતિ યુનિટ ૨.૨૬ રૂપિયા (આયાતી કોલસા), એસ્સાર પાવર ગુજરાત ૧૦૦૦ મેગાવોટ પ્રતિયુનિટ ૨.૪૦ રૂપિયા (આયાતી કોલસા) પ્રમાણે ૨૫ વર્ષ માટે કરાર થયા હતા. જે કરારમાં અદાણી પાવર દ્વારા વર્ષ ૨૦૧૦માં અને કોસ્ટલ ગુજરાત પાવર (ટાટા), એસ્સાર પાવર ગુજરાતએ વર્ષ ૨૦૧૨માં વીજ પુરવઠો આપવાનું શરુ કર્યું હતું. હકીકતમાં વીજ પુરવઠો આપવાનું શરુ કર્યા તે જ દિવસથી આ ચારેય ખાનગી વીજકંપનીઓએ વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૮ સુધી પીપીએ કરતા વધુ ૪૩૬૮ કરોડ નાણાં સેરવી લીધા. સરકારી તિજોરી અને સામાન્ય વીજ વપરાશકર્તાઓને ૪૩૬૮ કરોડનો ચૂનો લગાડ્યો તે મુદ્દે ઉર્જા મંત્રીશ્રી કેમ મૌન છે?

​તારીખ ૧૨.૬.૨૦૨૦નાં ઠરાવ ગ્રાહકોના હિતના નામે કરેલી જાહેરાત ગુજરાતના જનતાને ગેરમાર્ગે દોરનારી છે. વાસ્તવમાં વીજ કંપની અને ભાજપ સરકારની સાઠગાંઠને ખુલ્લી ન પડે તે માટેનો ઉર્જા મંત્રીનો વધુ એક પ્રયત્ન છે. આંતરાષ્ટ્રીય સ્પર્ધાત્મક ખરીદીની વાત એ માત્ર જાહેરાત છે હકીકતમાં અદાણી પાવરની ઇન્ડોનેશિયામાં અદાણી પીટી ગ્લોબલના નામે કોલસાની ખાણ છે જે પોતાની જ કંપનીને કોલસો પૂરો પાડે છે. આજ રીતે ટાટા અને એસ્સાર પણ પોતાની કંપનીઓ પાસેથી કોલસો મેળવે તો પછી આંતરાષ્ટ્રીય સ્પર્ધાત્મક ભાવ અને ગ્રાહકોનાં લાભની વાત ક્યાં રહી ? તારીખ ૧-૧૨-૨૦૧૮નાં ગુજરાત સરકારનાં ઠરાવ અન્વયે HPCનાં આધારે ભાવ વધારો આપ્યો. પણ હકીકતમાં આ ખાનગી વીજ કંપનીઓ પહેલેથી જ જુદા જુદા બહાના હેઠળ પીપીએમાં ઉલ્લેખ થયેલ પ્રતિ યુનિટ કરતા વધુ વીજ દરની લુંટ ચલાવીને કરોડો રૂપિયા ગ્રાહકો પાસેથી વસુલી લીધા છે.

ભાજપ સરકારે તેના ૨૩ વર્ષના શાસનમાં પ્રજાના હિતના ભોગે ખાનગી વીજ ઉત્પાદન કંપનીઓને તગડી કમાણી કરાવી છે. કોંગ્રેસની વર્ષ ૧૯૯૩-૯૪ના શાસનમાં સરકારી વીજ મથકોની ઉત્પાદન ક્ષમતા ૪૩૪૫ મેગાવોટ હતી. અને સરકારી વીજ મથકો સરેરાશ ૬૧.૪ ટકા સાથે કાર્યરત હતા.

કોંગ્રેસના શાસનમાં વીજઉત્પાદનમાં સ્વાવલંબી હતું જયારે ભાજપના શાસનમાં છેલ્લા ચાર વર્ષમાં સરકારી વીજમથકોની ઉત્પાદન ક્ષમતા માત્ર ૩૧ ટકા પહોચી ગઈ અને બીજી બાજુ ખાનગી વીજ કંપની પાસેથી છેલ્લા ચાર વર્ષમાં ૩૨,૩૯૫ કરોડની જંગી વીજ ખરીદી કરવામાં આવી છે વીજ મથકોની કાર્યક્ષમતા,ખાનગી વીજકંપની પાસેથી વીજ ખરીદીની ગોઠવણ અને વીજ વપરાશ કર્તાઓની સ્થિતિ અંગે શ્વેતપત્રની માંગણી કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યપ્રવક્તા ડૉ.મનીષ દોશી જણાવ્યું હતું કે આરટીઆઈમાં આપેલા જવાબમાં ૨૩ વર્ષમાં સરકારી વીજ મથકોની ઉત્પાદન ક્ષમતા ૮૬૦૧ મેગાવોટ છે.

વર્ષ ૨૦૧૬-૧૭માં સરકારી વીજમથકમાં પ્લાન્ટ લોડ ફેક્ટર ૨૯.૪૦ ટકા પ્રમાણે ફક્ત ૨૫૦૦ મેગાવોટ આસપાસ જયારે વર્ષ ૨૦૧૮-૧૯ માં સરકારી વીજમથકમાં પ્લાન્ટ લોડ ફેક્ટર માત્ર ૧૮ થી ૨૧ ટકા પ્રમાણે ચાલવામાં આવે છે. હકીકતમાં સરકારી વીજમથકોને ઓછી વીજ ક્ષમતા (લોડ ફેક્ટર) થી ચલાવીને સરકારની તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો લાગ્યો છે બીજી બાજુ ખાનગી વીજકંપનીઓને કરોડો રૂપિયાનો નફો કરાવ્યો છે.

વર્ષ ૨૦૦૨ થી ૨૦૧૯ દરમિયાન ગુજરાત સરકારે ખાનગી વીજ કંપની અદાની,એસ્સાર, ટાટા સહિતની કંપનીઓ પાસેથી ૯૦,૦૦૦ કરોડની જંગી વીજ ખરીદી કરીને ખાનગી વીજ કંપનીઓને તગડો નફો કરાવી આપ્યો. આનો જવાબ ઉર્જામંત્રી આપે. ગુજરાત સરકારે અદાની, એસ્સાર, ટાટા સાથે વીજ ખરીદી માટે ૨૫ વર્ષના કરાર કરેલ છે ઉર્જામંત્રીએ યુનિટદીઠ વીજ ખરીદીના ભાવો દર્શાવ્યા છે જેના કરતા ઊંચા ભાવે વીજ ખરીદી કરવામાં આવી છે એટલે કે વર્ષ ૨૦૧૬-૧૭માં અદાણી પાવર પાસેથી રૂ.૩.૨૨ પ્રતિયુનિટ, એસ્સાર પાવર પાસેથી રૂ. ૩.૬૦ પ્રતિયુનિટ, ટાટા પાવર પાસેથી રૂ. ૨.૭૧ પ્રતિયુનિટથી ખરીદી કરવામાં આવી છે. આ અંગે ઉર્જામંત્રીએ જવાબ આપે.