ગુજરાતમાં કોરોનાનું રૌદ્ર સ્વરૂપ 24 કલાકમાં સૌથી વધુ 441 કેસો, 49 મોત

અમદાવાદમાં આજે સૌથી વધુ 349 કેસો અને 39ના મોત

કોરોના વાયરસને પગલે ગુજરાત સહિત દેશભરમાં લોકડાઉન પાર્ટ-3થી શરૂ થઈ ગયું છે છતા પણ કોરોના વાયરસના કેસો રોકેટની ગતિથી વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે જેમાં ખાસ કરીને અમદાવાદની સ્થિતિ દિનપ્રતિદિન વણસી રહી છે.

છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 441 કેસો નોંધાયા છે. તેમજ મૃત્યુઆંકનો સિલસીલો પણ યથાવત રહ્યો છે. કોરોના વાયરસને કારણે 49 લોકો મોતને ભેટ્યા છે. જે સાથે ગુજરાતમાં કુલ કોરોના કેસોની સંખ્યા 6,245ને આંબી ગઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંકની સંખ્યા 368 પર પહોંચી ગઈ છે. જેની માહિતી રાજ્ય આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જંયતિ રવિએ આપી છે.

આજે નોંધાયેલા 441 કેસો પૈકી અમદાવાદના 349 કેસો નોંધાયા છે. જ્યારે 39 દર્દીઓના મોત નિપજ્યા છે. જે સાથે અમદાવાદમાં કુલ કેસોની સંખ્યા 4,425ને આંબી ગઈ છે જ્યારે કુલ મૃત્યુઆંક 273 પર પહોંચી ગયો છે. તેમજ 84 દર્દી સાજા થઈ જતા તોમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.

રાજ્ય આરોગ્ય વિભાગના દાવા વચ્ચે પણ કોરોના કેસોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાત સરકાર માટે પણ કોરોના વાયરસને કાબુમાં કરવો એક પડકાર સમાન છે.