સંવેદનાને કોઈ સરહદ નથી નડતી…’ ‘વંદના, એ સંવેદનાને…’

અમદાવાદ જિલ્લા કલેક્ટરએ માનવીય અભિગમ સાથે સગર્ભા મહિલાને રાજસ્થાન રવાના કરી

કોરોનાના કહેર વચ્ચે વહીવટી તંત્રની સંવેદનાના પગલે અનેક પરિવારોને સુખ, સંતોષ અને આનંદની લાગણી થાય છે. તેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રએ પુરુ પાડ્યું છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતી પ્રીતિબેન કુશવા સગર્ભા છે.

તેમને આઠ માસનો ગર્ભ છે. આમ તો તેમના પતિ કડીયાકામ કરે છે પરંતુ લોકડાઉન અમલમાં આવ્યું તેના બે દિવસ પહેલા જ રાજસ્થાન ગયા હતા અને ત્યાં અટવાઈ પડ્યા છે. પરિવારથી વિખુટા પડી ગયેલા પ્રિતીબેનને પતિ પાસે જવું હતું.

જિલ્લા કલેક્ટર કે.કે.નિરાલાને આ માહિતી મળતા જ સત્વરે રાજસ્થાનના ધોલપુરના કલેક્ટરનો સંપર્ક કરીને પ્રિતીબેનને સત્વરે આગ્રાની ટ્રેનમાં મોકલવાની વ્યવસ્થા કરી. ટ્રેન દ્વારા પ્રિતીબેનને રાજસ્થાન પોતાના ગામ મોકલવામાં આવ્યા છે.રાજસ્થાનના ધોલપુરના કલેક્ટરએ આગ્રાથી એમ્બ્યુલન્સ દ્વારા પ્રિતીબેનને તેમના ઘરે પહોંચાડ્યા છે.

કોરોના સંક્રમણના પગલે લોકડાઉનનો અમલ કરાયો.અનેક લોકો જ્યાં હતા ત્યાં અટવાયા. કોઈ કૂદરતી આફત હોય ત્યારે સ્વાભાવિક રીતે માણસને ઘર- પરિવાર પાસે અથવા ગામ કે વતન તરફ જવાની ઈચ્છા થાય જ. આ અત્યંત માનવ સહજ છે. અને એમાંય સગર્ભાવસ્થામાં તો મહિલાને ઘર-પરિવાર સાથે રહેવાની ઈચ્છા હોય જ મહિલાની આ લાગણીને અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રએ મૂર્તિમંત કરી છે.
વાત કંઈક આવી છે.

પ્રીતિબેન કુશવા અમદાવાદના નિકોલ વિસ્તારમાં તેઓ હાલ રહે છે. આમ તો તેઓ રાજસ્થાનના ધોલપુર જિલ્લાના કરોલી તહેસીલના બડાગામના રહેવાસી છે. તેમના પતિ કોઈ કામસર ધોલપુર ગયા હતા.લોકડાઉનના પગલે ત્યાં અટવાઈ પડ્યા છે. પતિ ત્યાં, પત્ની અહીંયા તેમને બે વર્ષની એક નાની દીકરી પણ છે. પતિ પાસે જવાની અદમ્ય ઈચ્છા હતી એટલે તેમણે કોઈક રીતે જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કર્યો.

અમદાવાદ જિલ્લા કલેક્ટર કે.કે.નિરાલાએ જણાવ્યું હતું કે, ‘અમારા માટે આ અત્યંત સંવેદનાનો વિષય હતો. એક સગર્ભા મહિલાને પોતાના પરિવાર સાથે પહોંચાડવા જરૂરી હતા. એટલે અમે તરત જ ધોલપુરના કલેક્ટરશ્રીનો સંપર્ક કર્યો.બધી હકીકત જણાવી.

એમણે અમદાવાદ જિલ્લા પ્રશાસનની સંવેદનાને બિરદાવી એવું કહ્યું કે એ બહેનને ગમે તેમ કરીને અહીં મોકલવાની વ્યવસ્થા કરો, અહી તેમને ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા અમે કરી દઈશું.અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રીએ સત્વરે પ્રિતીબેનને રેલ્વે સ્ટેશન પહોંચાડી ટ્રેન આગ્રા જતી ટ્રેનમાં જવા રવાના કર્યા.

રસ્તામાં તેમને જરૂરી હોય તેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરી અને સાથે સાથે રસ્તામાં કોઈ પણ પ્રકારની તબીબી જરૂરિયાત પડે તે માટે પણ વ્યવસ્થા કરી.જેથી કરીને તેમને રસ્તામાં કોઈ પણ મૂશ્કેલી ન પડે.’ એમ તેમણે ઉમેર્યું હતું.

શ્રી નિરાલાએ એમ પણ જણાવ્યું હતું કે, ‘ એક તબક્કે અમે પ્રિતીબેનને ખાસ એ મ્બ્યુલ ન્સ દ્વારા ધોલપુર પહોંચાડવાની વ્યવસ્થા કરી દીધી હતી.તે માટે સાથે એક ડોક્ટર, નર્સ વગેરેની તમામ વ્યવસ્થા પણ કરી દીધી હતી. પણ પ્તિતીબેનની ઈચ્છા ટ્રેનમાં જવાની હતી.એટલે તેમને ટ્રેનમાં રવાના કર્યા”ધોલપુરના કલેક્ટર રાજેશકુમારે પણ અત્યંત સંવેદના સાથે આજે પ્રિતીબેનને સલામત રીતે ઘરે પહોંચાડ્યા છે.