વલસાડના ઉમરગામમાં આભ ફાટ્યું, બે કલાકમાં સાત ઇંચ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામમાં બે કલાકમાં જ આશરે 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને દિવસ દરમ્યાન 9 ઈંચ વરસાદ વરસતા ઉમરગામમાં આભ જાણે ફાટ્યું હોય તેવો માહોલ સર્જાયો છે. ધોધમાર વરસાદના પગલે ચોતરફ વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી છૂટકારો મેળવ્યો હતો.

બીજી બાજુ અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે જેને પગલે લોકો ભારે બફારા અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પૂકારી ગયા છે તેમજ મેઘરાજાની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે.