સુનિતા યાદવે મંત્રી કુમાર કાનાણીની માફી માંગવી જોઈએ

પ્રજાના પ્રતિનિધિ માટે હલકી કક્ષાના શબ્દો વાપરવા એ પ્રજાનુ અપમાન જ કહેવાય

કાયદામાં ગુના પ્રમાણે સજા કરવાની જોગવાઈઓ છે. અને કાયદો બધા માટે સરખો લાગુ પડે. પોલીસ કોન્સ્ટેબલને પણ આ જ કાયદો લાગુ પડે છે. કાયદાની ઉપરવટ જઈને વર્તન કરવામાં આવે તો કોઈનાથી પણ સહન ન થઈ શકે. મંત્રી કુમાર કાનાણીના પુત્ર અને તેના મિત્રોએ કાયદાનો ભંગ કર્યો તો સામે કાયદાકીય કાર્યવાહી મહિલા પોલીસ કોન્સ્ટેબલ સુનિતા યાદવે કરવી જોઈતી હતી પરંતુ તેના બદલે અપશબ્દો બોલવાની કે ‘હરામીની ઓલાદ’ કહેવાનો કોઈને પણ અધિકાર નથી.

મંત્રી પુત્ર કાનાણી અને કોન્સ્ટેબલ સુનિતા યાદવના મુદ્દે સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની કોમેંટ થઈ રહી છે અને કેટલાક લોકો મહિલા કોન્સ્ટેબલ ની ફેવર કરે છે તો ઘણા લોકો મંત્રીની પણ ફેવર કરી રહ્યા છે. બોલતા પણ શરમ આવે તેવા શબ્દો મહિલા પોલીસ કોન્સ્ટેબલ જાહેરમાં બોલે તે પોલીસદળ માટે પણ ખૂબ જ શરમજનક કહી શકાય. કોઈ રીઢા ગુનેગાર સાથે પોલીસનું ઘાતકી વર્તન આવકાર્ય ગણી શકાય પરંતુ કર્ફ્યુના નિયમનો ભંગ જેવી બાબતે સાવ હલકી કક્ષાએ ઉતરી જવું એ ક્યારેય યોગ્ય ન કહેવાય.

પ્રજાનાં પ્રતિનિધીને ગાળ આપવી એ પ્રજાને ગાળ આપવા સમાન છે. પ્રજાના પ્રતિનિધીનું અપમાન એ પ્રજાનું અપમાન છે. પોતાના નેતા પ્રત્યે અપમાન જનક શબ્દો વાપરનાર સુનિતા યાદવે કુમાર કાનાણીની માફી માંગવી જોઈએ તેમ કાનાણીના સમર્થકો માંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ પ્રકારના મેસેજ ધૂમ મચાવી રહ્યા છે .