ઓડિયોના બીજા ભાગમાં ખુલી ગઈ સુનિતાની પોલ; રાતોરાત સેલિબ્રિટી બનવાના અભરખા

કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે જાણી જોઈને ઓડિયો ક્લીપ વાયરલ કરી

સુરતની પોલીસ કોન્સ્ટેબલ સુનિતા યાદવ અને આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીના પુત્ર વચ્ચે થયેલી વાતચીતનો કેટલોક ઓડિયો સામે આવતા લોકોના મનમાં પ્રથમ દ્રષ્ટિએ મહિલા કોન્સ્ટેબલ પ્રત્યે સહાનુભૂતિ ઉદ્દભવે તે સ્વાભાવિક છે. પરંતુ કદાચ જો લોકો સુધી આ બબાલ દરમ્યાન રેકોર્ડ થયેલો ઓડિયોનો બીજો ભાગ પહોંચ્યો હોત તો પછી કદાચ લોકો વિચારતા થઈ જાત કે અસભ્ય વર્તન કોણ કર્યુ કુમાર કાનાણીના પુત્રએ કે ખુદ મહિલા પોલીસ કોન્સ્ટેબલ સુનિતા યાદવે. જે લોકો સુધી ઓડિયોનો બીજો ભાગ નથી પહોંચ્યો તેવા લોકોને જણાવવાનું કે આ ઓડિયોમાં સુનિતા યાદવે એવા શબ્દનો પ્રયોગ કર્યો અને એવુ અસભ્ય વર્તન કર્યુ કે જે અગાઉ ગુજરાત પોલીસની મહિલા કોન્સ્ટેબલે ક્યારેય કોઈ ગુનેગાર સાથે નહી કર્યુ હોય.

એક વાત તો નક્કી છે કે કુમાર કાનાણીના પુત્ર અને તેના મિત્રોએ સુનિતા યાદવ સાથે કોઈ જ પ્રકારનું અસભ્ય વર્તન કર્યુ નથી પરંતુ મંત્રીનો પુત્ર સોફ્ટ ટાર્ગેટ હોવાથી સુનિતા યાદવના સેતાની દિમાગમાં રાતોરાત સેલિબ્રિટી બની જવાનો કીડો સળવળી ઉઠ્યો. અને એટલે જ આયોજન પુર્વક તમામ વાતો રેકોર્ડ કરી લીધી. એટલું જ નહી મંત્રી અને પોલીસ અધિકારી સાથેની વાતચીતની ઓડિયો ક્લીપ જાતે જ વાઈરલ કરી. સવાલ એ થાય કે જો કોઈ સામાન્ય વ્યક્તિ હોત તો શું સુનિતા યાદવે આવી જ રીતે વાતચીતનો ઓડિયો ક્લીપ વાયરલ કરી હોત. પોતાના મીડિયાના મિત્રોને દિવસભર ચાલે એવો મસાલો આપીને મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ શું સાબિત કરવા માંગે છે.

મહિલા કોન્સ્ટેબલે યાદ રાખવું જોઈએ કે સામે ઉભેલો વ્યક્તિ પણ માણસ જ છે. તેની સામે કાયદાકીય કાર્યવાહીના બદલે જીભાજોડી કરવા પાછળનો મકસદ હવે સ્પષ્ટ થઈ ગયો છે કે મેડમને પોલીસની નોકરીમાં જરાય રસ નથી તેમને તો ગમે તે ભોગે માત્ર સેલિબ્રિટી બનવામાં જ રસ છે. આ પ્રકારના મેસેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.