4350 કરોડની મહત્વાકાંક્ષી ભાડભૂત બેરેજ યોજનાના ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ, 4 વર્ષમાં યોજના સાકાર થશે

599 મિલિયન કયુબીક મીટર મીઠા પાણીનું સંગ્રહ શકિત ધરાવતુ જળાશય બનશે, દહેજના ઉદ્યોગોને વપરાશમાં મીઠુ પાણી મળશે

CM રૂપાણીનું વધુ એક મહત્વપૂર્ણ કદમ લેતા ભરૂચની 4350 કરોડની અત્યંત મહત્વાકાંક્ષી ભાડભૂત બેરેજ યોજનાના ટેન્ડરની પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગઈ છે અને 4 વર્ષની અંદર યોજના સાકાર થશે. ઉલ્લેખનીય છે કે, ભરૃચ જિલ્લો છેલ્લા રપ વર્ષથી નર્મદા નદીમાં ઘુસી આવેલા દરિયાઈ ખારા પાણીનાં કારણે અનેક ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યુ છે. દરિયાના ખારા પાણી બેકવોટર ઈફેકટના ભાગરૃપે નર્મદા નદીમાં અંદાજીત ૬પ કિલોમીટર વિસ્તારમાં પ્રસરી ચુકયા છે. નર્મદા નદી પર દરિયાના ખારા પાણીએ સામ્રાજય જમાવી લેતા પીવાના મીઠા પાણીથી માંડી સિંચાઈ અને ઉદ્યોગો સહિતની અનેક ગંભીર સમસ્યાઓથી ભરૃચ જિલ્લો છેલ્લા ૨૦ થી ૨૫ વર્ષથી ઝઝૂમી રહ્યો છે. દરમ્યાન દરિયાના પાણીને અટકાવવા માટે ભરૃચના ભાડભૂત નજીક રાજય સરકાર દ્વારા ૪૩૫૦ કરોડ રૃપિયાના ખર્ચે વિયર કમ કોઝવે બનાવવાના મહત્વનો પ્રોજેકટ મંજૂર કરાયો હતો.

ભાડભૂત બેરેજ યોજનાથી અનેક લાભ થશે. નર્મદા નદીમાં ધસી આવતા દરિયાને અટકાવી શકાશે, ભૂર્ગભ જળની ગુણવત્તા સુધરશે, ૫૯૯ મિલિયન કયુબીક મીટર મીઠા પાણીનું સંગ્રહ શકિત ધરાવતુ જળાશય બનશે, સંગ્રહીત થયેલ મીઠુ પાણી ભરૃચ તાલુકાના ગામોને પીવા માટે મળી રહેશે, દહેજના ઉદ્યોગોને વપરાશમાં મીઠુ પાણી મળી રહેશે, ભરૃચ અંકલેશ્વર જીઆઈડીસીને ઔદ્યોગિક વપરાશ માટે પાણી પુરૃ પાડી શકાશે. બેરેજની ડિઝાઈન અને બાંધકામ ત્રણ તબક્કામાં પર્યાવરણીય વ્યવસ્થાપન પ્લાનમાં આવરી લેવાયા છે.

જેમાં બાંધકામ પહેલા, પછીનો તબક્કો, કુદરતી આફતો જેવી કે ધરતીકંપ, વાવાઝોડુ, ચક્રવાત, સુનામી, ઉંચા મોઝા ઉછરવા, પુર, વગેરે સાથે બેરેજની ડિઝાઈનને વર્ગીકૃત કરાઈ છે. ભાડભૂત બેરેજને સૌથી વધુ જોખમ પુરનુ છે અને તેથી જ તેની ગણતરી છેલ્લા એક હજાર વર્ષની ધ્યાને લેવામાં આવી છે. ભરતીના પાણીની સ્થિતિમાં પુરનું બેરેજના દરવાજા દ્વારા નિકાલ શકય છે. દરવાજાનુ યોગ્ય સંચાલન દ્વારા કોઈપણ નુકશાન વિના પુર વ્યવસ્થાપન થઈ શકશે.