ભારતીય જનતા પાર્ટી વેચાતા માલને ટીકીટ આપવાને બદલે પોતાના કાર્યકર્તાઓને ટીકીટ આપીને જીતી બતાવે

કોંગ્રેસીઓ ભાજપ પક્ષમાં જોડાય કે આપણે જોડવા પડે તેવા સંજોગોના બદલે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની તાકાત પર લડે અને પોતાની તાકાત પર લડીને જીતે તેવા નવા વરાયેલા ભારતીય જનતા પક્ષના પ્રમુખ સી. આર. પાટીલે કરેલા નિવેદન અંગે આકરી પ્રતિક્રિયા આપતાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષભાઈ પરમારે જણાવ્‍યું હતું કે, ભારતીય જનતા પક્ષમાં અને તેના કાર્યકર્તામાં એટલી તાકાત હોય તો રાજ્યસભા ચુંટણીમાં કોંગ્રેસના ૮ ધારાસભ્‍યોએ રાજીનામા આપેલ, તેને રાજ્યસભા ચુંટણી બાદના થોડા દિવસોમાં જ ભાજપમાં કેમ જોડવામાં આવ્‍યા ? ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓમાં તાકાત હોવાનું અને કોંગ્રેસની જરૂર નથી તેવું નિવદેન પક્ષ પ્રમુખ તરીકે કરી ચુકયા છે તો આવનારી વિધાનસભાની ૮ બેઠકોની પેટા ચુંટણીમાં કોંગ્રેસમાંથી આવેલાને ટીકીટ આપવાના બદલે ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓને ટીકીટ આપીને ચુંટણી જીતી બતાવવાનો પડકાર પરમારે ફેંકયો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તો રેલીઓ અને દેખાવો કરવા પુરતા જ છે, જ્યારે ભાજપ કોંગ્રેસના ધારાસભ્‍યોને રાજીનામા અપાવીને ત્‍યારબાદ ટીકીટ આપીને સરકાર બચાવે છે.

શૈલેષ પરમારે જણાવ્‍યું હતું કે, ૨૦૧૭ પહેલાં ૨૪ ધારાસભ્‍યોએ કોંગ્રેસ છોડી હતી તે ૨૪ ધારાસભ્‍યોમાંથી ૨૨ સભ્યો ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયેલા ૨૨ પૈકી ૧૯ને ભાજપે ટીકીટ આપી હતી. કોંગ્રેસના જે લોકોને ભાજપે ટીકીટ આપી હતી તેમાંથી ચુંટાયેલા જશાભાઈ બારડને મંત્રી પદ, જયેશ રાદડીયાને મંત્રી પદ, વિઠ્ઠલભાઈ રાદડીયા અને પ્રભુભાઈ વસાવાને સાંસદ બનાવ્‍યા, બલવંતસિંહ રાજપૂતને ચેરમેન બનાવ્‍યા અને તે પૈકીના ધર્મેન્‍દ્રસિંહ જાડેજા હાલમાં મંત્રી છે.

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નરહરી અમીનને તાજેતરમાં ટીકીટ આપી હતી તે હવે રાજ્યસભાના સાંસદ છે. પુનમબેન માડમ અને દેવુસિંહ ચૌહાણ લોકસભાના સાંસદ છે તેમજ અગાઉ લાલસિંહ વડોદીયાને રાજ્યસભા અને દેવજીભાઈ ફતેપરાને લોકસભાની ટીકીટ આપીને સાંસદ બનાવ્‍યા હતા.

કોંગ્રેસ પક્ષમાંથી ૨૦૧૭માં જે ધારાસભ્‍યો જીત્‍યા હતા તેમાંથી અગાઉ ૭ ધારાસભ્‍યો રાજીનામા આપીને ભાજપમાં જોડાયા હતા તેમાંથી ભાજપે ૬ ને ટીકીટ આપી હતી અને તે પૈકી શ્રી કુંવરજી બાવળીયા અને શ્રી જવાહરભાઈ ચાવડા હાલમાં કેબીનેટ મંત્રી છે. ભાજપ પોતાની તાકાત પર લડે અને જીતે તેવી રીતે ભાજપના કાર્યકર્તામાંથી જીતીને ધારાસભ્‍ય બનેલાઓમાં શું મંત્રી બનવાની તાકાત નથી ?

ગુજરાતમાં આવનારી વિધાનસભાની ૮ બેઠકોની પેટા ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી વેચાતા માલને ટીકીટ આપવાને બદલે પોતાના કાર્યકર્તાઓને ટીકીટ આપીને જીતી બતાવે તેવો પડકાર શ્રી શૈલેષ પરમારે ફેંકયો છે.