18મીથી દેશમાં ચોથું લોકડાઉન ચાલુ રહેશે પરંતુ લોકડાઉન જેવું કશું લાગશે નહીં

લોકોની સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ હવે કંટાળી છે અનેક પ્રકારની છૂટછાટો મળશે

કોરોના વાયરસને લઈને સમગ્ર દેશમાં અત્યારે ત્રીજું લોકડાઉન ચાલી રહ્યું છે જેની મુદત ૧૭મી મેના રોજ પૂરૂ થઈ રહી છે. હવે ચોથા લોકડાઉન અંગે ચર્ચા શરૂ થઇ છે પરંતુ જાણવા મળે છે કે ૧૮મીથી ચોથું અને કદાચ અંતિમ લોકડાઉન આવશે પરંતુ આ લોકડાઉન માત્ર નામ પૂરતું જ ગણાશે એટલે કે ચોથા લોકડાઉનની અંદર અનેક પ્રકારની ઘણી બધી છૂટછાટ આપશે.

છેલ્લા બે મહિનાથી લોકડાઉનની સ્થિતિને કારણે દેશની આર્થિક સ્થિતિ ખૂબ જ કફોડી બની ગઈ છે હવે વધારે લોકડાઉન દેશને આર્થિક બરબાદી તરફ દોરી જશે એવી દહેશત પણ છે એટલું જ નહિ દેશના લોકો પણ હવે લોકડાઉનથી કંટાળ્યા છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ કંટાળી છે અને કોરોનાવાયરસ ને સાથે લઈ ને જીવવું પડશે તે પ્રકારના સંકેતો આપી દીધા છે.

ગઈકાલે ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રીએ પણ ચોખ્ખા શબ્દોમાં જણાવ્યું હતું કે કોરોના કોરોના ક્યાં સુધી કરશો વધારે સમય ઘરમાં બેસવું પોસાય તેમ નથી.

બીજી બાજુ ગુજરાત સરકારે પણ ગુજરાતમાં કેટલા પ્રકારની અને કઈ રીતની છૂટછાટો મળવી જોઈએ તે સંદર્ભમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે આજે આવી ભલામણો કેન્દ્ર સરકારને મોકલી દેવામાં આવશે સંભવતઃ આવતીકાલે અથવા રવિવારે સવારે નવા લોકડાઉન અંગેની સત્તાવાર જાહેરાત કરાશે.

હવે પછીના લોકડાઉનમાં પણ એટલી બધી છૂટછાટ હશે કે લોકડાઉન જેવું કશું દેખાશે જ નહીં.
ગાંધીનગર ના સુત્રો જણાવે છે કે હવે પછીનું લોકડાઉન કદાચ છેલ્લુ જ હશે એટલું જ નહીં લોકડાઉન જેવું કશું દેખાશે નહિ રેડ ઝોન વિસ્તારો કે જ્યાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ખૂબ જ ચિંતાજનક છે તેવા વિસ્તારોમાં છૂટછાટો બહુ જ મર્યાદિત અપાશે.