અમદાવાદમાં રથયાત્રા નીકળે તે માટે સરકારે તમામ પ્રયાસો દ્રઢ ઇચ્છા શક્તિથી કર્યા છે: પ્રદિપસિંહ

આ નિર્ણયથી હું પણ ખૂબ વ્યથીત થયો છું: હું પણ 36 કલાકથી વધુ મંદિર પરીસરમાં મહારાજ અને ટ્રસ્ટીઓ સાથે સતત સંપર્કમાં રહ્યો છું

ઓડીશા ગ્રીન ઝોનમાં અને અમદાવાદ રેડ ઝોનમાં હોવાથી અમદાવાદની રથયાત્રાને હાઇકોર્ટની મંજૂરી ન મળી

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે અમદાવાદ શહેરમાં ૨૩મી જુનના રોજ પરંપરાગત રીતે યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે રાજ્ય સરકારે પુરી ઇચ્છા શક્તિથી રથયાત્રાની પરવાનગી મળે તે માટે ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદીના માધ્યમથી પુરતા અસરકારક પ્રયત્નો કર્યા છે. લાખો શ્રધ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર એવી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકાળવા માટે નામ. હાઇકોર્ટ દ્વારા પરવાનગી મળી નથી તેનું અમને અત્યંત દુખ છે. હું પોતે પણ છેલ્લા ૩૮ વર્ષથી નિયમીત રીતે જગન્નાથ મંદિરે દર્શન કરૂં છું. વ્યક્તિગત રીતે મને પણ દુખ થયું છે. જગન્નાથ મંદિરના મહંતશ્રીને હું જ્યારે પણ મળું છું ત્યારે ચરણ સ્પર્શ કરૂં છું.

મંત્રીએ ઉમેર્યું કે ૧૬મી જુને ઓડીસાની પુરીની જગન્નાથ યાત્રા માટે સુપ્રિમ કોર્ટ દ્વારા ૧૮મી જુને પ્રતિબંધ ફરમાવ્યો અને ૨૨મી જુને સુપ્રિમ કોર્ટે કેટલીક શરતોને આધિન રથયાત્રા કાઢવા ચુકાદો આપ્યો. ગુજરાત હાઇકોર્ટમાં પણ કોરોનાના સંક્રમણના વ્યાપના કારણે કેટલાક લોકોએ ૧૬મી જુનના રોજ ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન ફાઇલ કરી હતી. અને ૨૦મી જુનના દિવસે ગુજરાત હાઇકોર્ટે રથયાત્રા કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.

તેમણે ઉમેર્યું કે સુપ્રિમ કોર્ટના પુરીની રથયાત્રાના ૨૨મી જુનના ચુકાદા બાદ અમારી પણ આશા ખુલી હતી અને મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ હાઇકોર્ટમાં થયેલ વિવિધ પીટીશન સામે રાજ્ય સરકાર દ્વારા એફીડેવીટ કરવા જણાવ્યું હતું અને રાજ્ય સરકારે એફીડેવીટ કરી હતી જેમાં ખાત્રી આપી હતી કે અમદાવાદ શહેરની કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ સામે સંપૂર્ણ તકેદારીના પગલા લઇશું, રથયાત્રાના દિવસે સવારે ૬ થી ૧૧ દરમ્યાન રથયાત્રા જગન્નાથ મંદિરથી નિયત માર્ગમાં પરીભ્રમણ કરશે, રથયાત્રા દરમ્યાન સંપૂર્ણ માર્ગ પર કરર્ફ્યુનો ચુસ્ત અમલ કરાશે.

જેના કારણે શ્રધ્ધાળુઓની ભીડ એકત્રિત ન થાય, રથને ખેંચવા માટે મીકેનીકલ વાહનનો ઉપયોગ કરવાથી સમગ્ર માર્ગમાં ન્યુનતમ સમયમાં ફેરવી શકાય, સોશ્યલ ડીસ્ટન્સ જળવાય અને પૂરતો પોલીસ બંદોબસ્તની સ્કીમ બનાવી રથયાત્રાનું આયોજન કરાશે. જેના લીધે કોરોના સંક્રમણનો ફેલાવો વધે નહીં તેવા સંપૂર્ણ પગલા રાજ્ય સરકાર લેશે. અમદાવાદ શહેર સહિત રાજ્યના લાખો શ્રધ્ધાળુઓને ઘરે બેઠા ભગવાન જગન્નાથના દર્શન થાય તે માટે દુરદર્શન દ્વારા જીવંત પ્રસારણ કરવાનું પણ આયોજન રાજ્ય સરકારે કર્યું હતું.

મંત્રીએ ઉમેર્યું કે ૨૨મી જુનના રોજ સાંજે ૭.૪૫ વાગ્યે નામ. સુપ્રિમ કોર્ટનો ચુકાદો આવ્યો હતો જેમાં સુપ્રિમ કોર્ટે તેના ૧૮ જૂનના ચુકાદાને ફેરવીને એમ જણાવ્યું હતું કે જગન્નાથ પુરીમાં રથયાત્રા અમુક શરતોને આધારે કાઢી શકાશે. અમદાવાદની રથયાત્રા સંદર્ભે ઓડીસાના ચુકાદા મુજબ રથયાત્રાની મંજૂરી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા નામ. હાઇકોર્ટમાં એફીડેવીટ કરીને લર્નેડ એડવોકેટ જનરલ દ્વારા મોડી રાત સુધી એક કલાક દલીલો કરવામાં આવી.

તા. ૧૬મી જુનના રોજ ગુજરાત હાઇકોર્ટમાં જે પીટીશન થઇ તેનો ૨૦મી જુનના દિવસે ચુકાદો આવ્યો અને રથયાત્રા કાઢવા પર પ્રતિબંધ ફરમાવાયો. ૨૨મી જુનના રોજ મોડી રાત્રે ગુજરાત હાઇકોર્ટે આપેલ ચુકાદામાં ઓડીસામાં કોરોનાનું સંક્રમણ ઓછું છે જ્યારે અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધુ હોઇ, પરમીશન આપવામાં આવશે નહીં તેવું જણાવાયું હતું. અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત, ટ્રસ્ટીઓને વિશ્વાસમાં લઇને કોર્ટની પરવાનગી મળશે તેવી રાજ્ય સરકારને આશા હતી પણ રથયાત્રા કાઢવા માટે પરવાનગી ન મેળવી શક્યા એનું અત્યંત દુખ છે.