ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી કરાવવામાં સરકારને રસ નથી; કોર્પોરેશનની ચૂંટણી પણ પાછી ઠેલાશે?

ચૂંટણી પંચે બિહારની ચૂંટણી જાહેર કરી પરંતુ ગુજરાતની પેટા ચૂંટણી અંગે કોઈ સ્પષ્ટતા નહીં કરતા આ પ્રકારની અટકળો શરૂ થઇ

આજે બપોરે કેન્દ્રીય ચૂંટણી પંચે આગામી ઓક્ટોબરમાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાશે એ પ્રકારની સત્તાવાર જાહેરાત કરી દીધી છે પરંતુ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠકોની પેટાચૂંટણી યોજવા માટેની કોઈ જ સ્પષ્ટતા કરી નથી માત્ર એટલું કહ્યું છે કે ૨૯મી સપ્ટેમ્બરે આઠ બેઠકોની પેટા ચૂંટણી યોજવાના સંદર્ભમાં ચૂંટણીપંચની બેઠક મળશે જેને લઇને ગુજરાતમાં હવે વિવિધ પ્રકારની અટકળોને અનુમાનો શરૂ થયા છે કેટલાક લોકો એવું માને છે કે કેન્દ્ર સરકારની જ ઇચ્છા નહીં હોવાથી આઠ બેઠકોની પેટા ચૂંટણીની જાહેરાત થઇ નથી.

જેની પાછળનું એવું જણાવવામાં આવી રહ્યું છે કે જો આઠ બેઠકોની પેટા ચૂંટણી થાય અને તેમાં ભાજપને ફટકો પડે તો આગામી નવેમ્બરમાં જ યોજાનારી છ મહાનગરપાલિકાઓની તેમજ અન્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપને મોટો ફટકો પડવાની પૂરી શક્યતાઓ ઊભી થાય અને જો બંને ચૂંટણીમાં ભાજપના વિરોધમાં પરિણામ આવે તો સમગ્ર દેશમાં ભાજપની આબરુનું અને ગુજરાત મોડેલના ધજાગરા ઊડી જાય એટલું જ નહિ ગુજરાતના રાજકારણમાં પણ મોટા અને ધરખમ ફેરફારો કરવા પડે 2022 મા યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારમાં પણ ધરમૂળથી ફેરફાર કરવા પડે અને મુખ્યમંત્રી બદલાવા પડે એવી સ્થિતિનું પણ સર્જન થઇ શકે છે.

આથી હવે એવું લાગે છે કે ૨૯મી સપ્ટેમ્બરે જો પેટા ચૂંટણી યોજવાના કાર્યક્રમની જાહેરાત નહીં થાય તો પાછળ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ મોદી યોજાશે અને તમામ છ મહાનગર પાલિકામાં વહીવટદારની નિમણૂક કરવામાં આવશે.