ગુજરાત સરકાર કોરોના વાયરસના ટેસ્ટિંગ માટે તમામ લેબોરેટરીને છૂટ આપે

જે નાગરિકને ટેસ્ટીંગ કરવું હોય તે કરી શકે અને તેનો ખર્ચ સરકાર ભોગવે: શંકરસિંહ વાઘેલા

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રવિવારે અમદાવાદની સિવિલ તથા એસ.વી.પી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે ગઈકાલે હાઇકોર્ટે કોરોના વાયરસના સંજોગોમાં આરોગ્યમંત્રી સહિતના લોકોની આલોચના કરી છે માટે હું આજે આ હોસ્પિટલની મુલાકાતે આવ્યો છું. તેઓએ માગણી કરી છે કે જે કોઈ લોકોને કોરોના વાયરસનું ટેસ્ટીંગ કરવું હોય તો તે કરવા દો ગુજરાતની તમામ લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરવા માટેની છૂટ આપો અને તેનો ખર્ચ રાજય સરકાર ભોગવે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપીના ગુજરાત અધ્યક્ષ શંકરસિંહ વાઘેલા બાપુએ ગુજરાતમાં કોરોનાનો સૌથી વધારે મૃત્યુઆંક ધરાવતી અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમ્યાન દર્દીઓના સગાવહાલા, કોરોના વોરિયર્સ તરીખે દેશના સૈનિકોની જેમાં સતત સેવાઓ આપનાર ડોક્ટર્સ, જુનિયર ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, વોર્ડ બોય અને વર્ગ 4ના કર્મચારીઓને મળી તેમની સેવાઓને બિરદાવી હતી અને તેમના પ્રશ્નોને સમજ્યા હતા અને જરૂરી સૂચનો રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની હૈયાધારણા આપી હતી.

આજ રીતે 1 થી 4 લોકડાઉન દરમ્યાન ખડેપગે સેવાઓ આપનાર પોલીસ વિભાગના જવાનોને મળી અભિનંદન આપ્યા હતા તેમજ સેવાઓ આપનાર સમગ્ર પોલીસ બેડાનો આભાર વ્યકત કર્યો હતો. શંકરસિંહ વાઘેલા એ ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી.