અમદાવાદની સિવિલ કેમ્પસમાં આવેલી કિડની અને કેન્સર હોસ્પિટલ કોવિડના દર્દી માટે બંધ કરાઈ

સમગ્ર ગુજરાતમાં અમદાવાદ શહેર કોરોના વાયરસનો હોટસ્પોટ બની ગયું હતું. રાજ્યમાં સૌથી વધુ કેસ અને સૌથી વધુ મૃત્યુ પણ અમદાવાદ શહેરમાં જ થયા છે પરંતુ સરકારે એડિશનલ ચીફ સેક્રેટરી રાજકુમાર ગુપ્તા અને સમગ્ર અમદાવાદનો હવાલો સોપ્યો છે તેમજ વિજય નેહરાની કમિશનર તરીકેથી હકાલપટ્ટી કરી તેમની જગ્યાએ મુકેશકુમારને બેસાડ્યા છે આ બંને અધિકારીઓની દિવસ-રાતની મહેનતને કારણે કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.

એક તબક્કે સિવિલ કેમ્પસમાં બનાવાયેલી બારસો બેડની કોવિડની સ્પેશિયલ હોસ્પિટલમાં પણ નવા દર્દીઓની જગ્યા ન હતી જેથી સિવિલ કેમ્પસમાં જ આવેલી કિડની ઇન્સ્ટિટ્યૂટ તથા કેન્સર હોસ્પિટલ અને યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ ઊભી કરાઇ હતી.

પરંતુ છેલ્લા અઠવાડિયાથી કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે 1200 બેડની ક્ષમતામાં માંડ 225 દર્દીઓ છે આથી કિડની ઇન્સ્ટિટ્યૂટ અને કેન્સર હોસ્પિટલને બંધ કરવામાં આવી છે એટલે કે હવે પછીથી કોરોના પોઝિટિવના કોઈ દર્દીઓને કિડની કે કેન્સર હોસ્પિટલમાં મોકલવા નહિ આવે જેથી કિડની અને કેન્સરના દર્દીઓને પણ રાહત થશે.