કચ્છના સાંસદએ મુખ્યમંત્રીને પત્ર લખી પત્રકારની ચિંતા કરી

કોરોના વાયરસને કારણે ગુજરાત સહિત દેશભરમાં લોકડાઉન છે. આ મહામારીની કપરી પરિસ્થિતિમાં પણ ડોકટરો, મેડિકલ સ્ટાફ, પોલિસ અને પત્રકાર જીવના જોખમે દિવસ-રાત કાર્ય કરી રહ્યા છે.

કોરોના મહામારીના સમયમાં ઈલેકટ્રીક તથા પ્રિન્ટ મિડિયાના પત્રકાર સતત લોક જાગૃતિ અને સરકારના નિયમોનું પાલન થાય અને ખોટી અફવાઓ ન ફેલાય તે માટે રાત-દિવસ જીવના જોખમે કાર્યરત રહીને સચોટ માહિતિ લોકો સુધી પહોંચાડે છે.

ગુજરાત સરકારે આ મહામારીમાં સેવા કરતા આરોગ્ય કર્મચારી, પોલિસ, સફાઈ કામદારોની વિશેષ ચિંતા કરી છે. તેમજ તેમની સુરક્ષા માટે સેવાકીય કામગીરી દરમિયાન કંઈ પણ થાય તો સરકાર તેમના પરિવારને આર્થિક સહાય આપવા નિર્ણય કર્યો છે.

આ સ્થિતિ વચ્ચે ભાજપના કચ્છના સાંસદ સભ્ય વિનોદ ચાવડાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને આ કેટેગરીમાં કલમ અને કેમેરાની સહાયથી દેશસેવામાં પ્રવૃત પત્રકારોનો પણ સમાવેશ કરવામાં આવે. તેમજ તેઓને કામગીરી દરમિયાન બિમારીનો ભોગ અથવા જાનહાની થાય તો સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તેવો અનુરોધ કર્યો છે.