મેયરએ કર્યું વધુ એક વખત કાયદાનું ઉલ્લંઘન કર્યું

કાયદાનાં લીરેલીરા ઉડાવનાર મેયર પર પોલીસ ક્યારે પગલા લેશે?

શું ગુજરાતમાં બે કાયદા અસ્તિત્વમાં છે સામાન્ય નાગરીકો માટે એક અને ભાજપના સત્તાધીશો માટે બીજો? કોંગ્રેસના નેતા મનીષ દોશીનો વેધક સવાલ

કોરોના વૈશ્વિક મહામારી વચ્ચે ગુજરાત રાજ્યમાં ૬૦ દિવસના લોકડાઉન અને ત્યારબાદ અનલોકનાં અખતરા પછી પણ કોરોનાનું સંક્રમણ સંકટ ઘટતું દેખાતું નથી ત્યારે રાજ્યની ભાજપ સરકાર કોરોના સામે સુસજ્જ થઈ લડવાને બદલે માઈક્રો કંટેનમેન્ટ ઝોનમાં કાર્યકમ-ઉત્સવ યોજી કરેલી ગંભીર અને ગુનાહિત બેદરકારી અને કાયદાનાં ઉલ્લંઘન પર આકરા સવાલ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યપ્રવકતા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્યમાં અને દેશમાં કોરોના સંક્રમિતના કેસ સતત વધી રહ્યા છે ત્યારે રાજ્યનું કોરોના સંક્રમિતનું એપીસેન્ટર અમદાવાદમાં મુખ્યમંત્રી અને અમદાવાદના પ્રથમ નાગરિક એવા બીજલ પટેલ દ્વારા “કુંડા વિતરણ” કાર્યકમનું આયોજન કરી અમદાવાદના ૬૫ લાખ નાગરીકોની પરવા કર્યા વગર જાહેર આરોગ્ય સુરક્ષાના લીરે લીરા ઉડાવ્યા હતા.

કોરોના સંકમિતનો આંકડો ૧૯ હજારને પાર તેમજ ક્રોરોનામૃત્યુ દરમાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે આવતું હોય ત્યારે માઈક્રો કંટેનમેન્ટ ઝોનમાં કાર્યકમ યોજી ભાજપ કોરોના મહામારી મુદ્દે કેટલું સંવેદનશીલ, સજાગ, અને સતર્ક છે એ ગુજરાતની જનતાની સામે ખુલ્લું પડી ગયું છે. ગુજરાતમાં કુદકે-ભૂસકે વધતા કોરોના સંક્રમિત-મૃત્ય દરએ ભાજપની અણઘડ વહીવટનો નમુનો છે. અને બીજી બાજુ મુખ્યમંત્રીશ્રી સરકારી તિજોરીના નાણાથી “હું છું કોરોના વોરિયર” એવું અભિયાન ચલાવે છે

૫૫-૫૫ દિવસ સુધી અમદાવાદની જનતાને ભગવાન ભરોસે છોડી ઘરની બહાર ન નીકળનાર મેયર અને ભાજપના શાસકો જનતાને સેનીટાઝર, માસ્કની સુફિયાણી સલાહ આપી, પોતે “વિના માસ્ક” ફરે અને માસ્ક પહેરવાના નામે નાગરિકો પાસેથી ૨૦૦-૫૦૦ દંડ સ્વરૂપે વસુલાય એ કેટલે અંશે યોગ્ય? ભાજપના સત્તાધીશો આ નિયમ-કાયદાની પર હોય એમ માઈક્રો કંટેનમેન્ટ ઝોનમાં નીતનવા કાર્યક્રમો કરી જાહેર આરોગ્યને ખતરામાં મુકે તે કેટલે અંશે વ્યાજબી ? શું કાયદો વ્યવસ્થા માત્ર નાનાં- સામાન્ય નાગરીકો પર જ લાગુ પડે છે? શું મોટા માથાઓ, સંત્રી,મંત્રી,સત્તાધીશો, ભાજપના હોદ્દેદારો કાયદાથી પર છે ? શું ગુજરાતમાં બે કાયદા અસ્તિત્વમાં છે નાગરીકો માટે એક અને ભાજપના સત્તાધીશ માટે બીજો.

રાજ્યના મુખ્યમંત્રી પણ આવા કાર્યકમમાં હાજરી આપે તેમ છતાં કોઈ કાયદાકીય પગલા ન લેવાય તે જ દર્શાવે છે કે આ સત્તાધીશો કાયદો વ્યવસ્થા માત્ર સામાન્ય નાગરીકોને માટે જ છે. મેયરશ્રી અને ભાજપના પદાધિકારીઓએ અમદાવાદનાં માઈક્રો કંટેનમેન્ટ ઝોનમાં કાર્યકમ યોજી એપેડામિક એક્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને રાજ્ય-કેન્દ્રની જાહેર માર્ગદર્શિકાનું છડેચોક ઉલ્લંઘન કર્યું છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા ક્યારે પગલા ભરવામાં આવશે ? એનો જવાબ કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનરશ્રી, રાજ્ય પોલીસ વડા અમદાવાદ અને ગુજરાતની જનતાને આપે.