કોરોનાની સારવાર મેળવ્યા બાદ સ્વસ્થ થનારા સૌથી મોટી ઉંમરના વ્યક્તિ

92 વર્ષની ઉંમરે કોરોના સામેનો જંગ જીતીને સુમનદાદા બન્યા સુપરહીરો

કોરોના પણ બીમારી જેવી બીમારી છે, તેની સામે જીતવાનો એક જ ઉપાય છે – ‘લિવ વિથ કોરોના ઍન્ડ લવ વિથ કોરોના’

  • 35 વર્ષથી બ્લડ પ્રેશર છે અને અગાઉ કાર્ડિયાક તથા એન્જિયોપ્લાસ્ટીની સારવાર પણ લઈ ચૂક્યા છે
  • એસવીપી હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા કોરોનાના દર્દીઓ માટે આશિર્વાદરૂપ


‘કોરોના પણ અન્ય બીમારી જેવી જ બીમારી છે. તેનાથી ડરવાની કોઈ જ જરૂર નથી, પણ અંદરથી આ વાઇરસ સામે લડવાનો વિશ્વાસ કેળવવાની જરૂર માત્ર છે. આત્મવિશ્વાસ થકી ગમે તેવી મુસિબતને પણ માત આપી શકાય છે. અને જ્યાં સુધી કોરોનાની રસી ન શોધાઈ જાય, ત્યાં સુધી આપણે ‘લિવ વિથ કોરોના અને લવ વિથ કોરોના’નો પાઠ શીખી જવો પડશે.

આ લાગણી છે, 92 વર્ષની જૈફ વયે કોરોના સામેનો જંગ જીતીને હેમખેમ પાર ઉતરનારા અમદાવાદના નિવૃત્ત શિક્ષક સુમનચંદ્ર વોરા અને તેમના પરિવારની. અત્યાર સુધીમાં કોરોનાની સારવાર મેળવીને સાજા થનારાઓમાં સુમનદાદા સંભવત સૌથી મોટી ઉંમરના વ્યક્તિ છે.

છેલ્લાં 35 વર્ષથી બ્લડપ્રેશર, 86 વર્ષની ઉંમરે કાર્ડિયાકની સારવાર અને એક વખત એન્જિયોપ્લાસ્ટી કરાવ્યા બાદ પણ કોરોના સામે અડીખમ ઝીંક ઝીલનારા સુમનભાઈને એવું પૂછીએ કે આ બીમારી સામે લડવાની શક્તિ ક્યાંથી મળી? તો કહે કે, મને શ્રીજીબાવામાં અતૂટ શ્રદ્ધા છે, મને ભરોસો છે કે એ મને કંઈ નહીં થવા દે. બીજો ભરોસો છે મારા પરિવાર પર, જે આ કપરી પરિસ્થિતિમાં પણ હંમેશાં મારી પડખે રહ્યો, જેનાથી મને માનસિક હિંમત મળી અને ત્રીજો આભાર માનવો રહ્યો એસવીપી હોસ્પિટલના કર્મચારીઓનો, જેમણે રાત-દિવસ ખડેપગે મારી સારવાર કરી.

આ અંગે સુમનભાઈના પુત્ર નીતિનભાઈના કહેવા અનુસાર, તેમના પિતાને કોરોના હોવાનું નિદાન થયા બાદ ગત તા. 10મી એપ્રિલે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. નીતિનભાઈના કહેવા અનુસાર, રાજ્ય સરકાર દ્વારા કોરોનાના દર્દીઓ માટે આ સૌથી શ્રેષ્ઠ વ્યવસ્થા કરવામાં આવી છે.

સામાન્ય રીતે દર્દીઓ કોરોના થયો હોવાની વાત સાંભળતા જ અડધી હિંમત હારી જતા હોય છે, ત્યારે પિતાજીએ મનથી સ્વીકાર કર્યો કે તેમને કોરોના થયો છે અને તેની સામે લડવાનું છે, એટલું જ નહીં, જીતવાનું પણ છે.

હોસ્પિટલના કર્મચારીઓની કાળજી અને પિતાજીનો આત્મવિશ્વાસ રંગ લાવ્યા. જો મનમાં આ વિશ્વાસ કેળવવામાં આવે, તો ખરેખર આ બીમારીમાંથી ઝડપથી સ્વસ્થ થઈ શકાય તેમ છે. મારી પત્ની વત્સલા, જે ખુદ પણ એક ડૉક્ટર છે. તેને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો અને આજે એ પણ સ્વસ્થ થઈને અમારી સાથે જ છે.

આજે પણ ભગવદગીતાના 12મા અને 15મા અધ્યાયનું નિયમિત પઠન કરતાં સુમનદાદાને પૂછીએ કે હોસ્પિટલમાં સમય કેવી રીતે પસાર થતો અને પ્રસન્ન કેવી રીતે રહેતા? તો કહે કે, મારો પરિવાર છે ને મારી સાથે, એનાથી શક્તિ મળી રહેતી. હોસ્પિટલમાં પણ તમામ વ્યવસ્થાઓ ખૂબ સારી હતી.

નિયમિત રીતે સારસંભાળ રાખવામાં આવતી હતી. એટલે કોઈ ચિંતા નહોતી. આટલું ઓછું હોય તેમ મારી પૌત્રી જૂનાં ગીતો સંભળાવતી, જેના થકી મારું મન પ્રફુલ્લિત રહેતું.

આ બધાની વચ્ચે સૌથી વધુ ખુશ તો સુમનદાદાની 16 વર્ષની પૌત્રી છે. જેના જન્મદિવસે જ દાદા સ્વસ્થ થઈને હોસ્પિટલેથી ઘરે પરત આવતાં, આટલાં વર્ષમાં આ તેની સૌથી શ્રેષ્ઠ બર્થડે ગિફ્ટ છે.સુમનભાઈનો પરિવાર તબીબીક્ષેત્ર સાથે સંકળાયેલો છે. વર્તમાન પરિસ્થિતિમાં તેઓ બે બાબતો પર ભાર આપે છે.

એક, કોરોના સામે લડવા માટે ફિલ્મ ‘શોલે’નો ગબ્બરસિંઘનો ડાયલોગ યાદ રાખવો જરૂરી છે, ‘જો ડર ગયા, સમજો મર ગયા’ મતલબ, કોરોનાથી ડરવાનું નથી. તેની સામે લડવાનું છે. અને બીજી એ કે, જ્યાં સુધી કોરોનાની રસી ન શોધાઈ જાય, ત્યાં સુધી એક સૂત્ર ગાંઠે બાંધી લેવું પડશે, ‘લિવ વિથ કોરોના ઍન્ડ લવ વિથ કોરોના.’ એટલે કે, કોરોનાની સાથે જીવતા શીખી જવું પડશે અને જેમને કોરોના થયો છે, તેમનાથી દૂર ભાગવાના બદલે પ્રેમ, હૂંફ, લાગણી અને સારવાર દ્વારા કોરોના સામે લડવાની તેમની માનસિક ક્ષમતામાં વધારો કરવાથી જ કોરોના સામેની આ જંગ જીતી શકાશે. ત્યાં સુધી ‘લર્ન ટુ લિવ વિથ કોરોના ઍન્ડ લવ વિથ કોરોના’.