આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાથી રાજ્યના 10 લાખ નાના વ્યવસાયકારોને લાભ મળશે

માત્ર 2 ટકાના દરે રૂ. 1લાખની લોન: તા.21મે થી તા.31ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે

કોરોના મહામારીના જંગમાં દેશના સામાન્ય લોકોને સહાયરૂપ થવા કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ર૦ લાખ કરોડના પેકેજ સાથે આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાતના તમામ નાના વ્યવસાયકારોને મદદરૂપ થઇ શકાય તે હેતુથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરી છે.

જેમાં રાજ્યમાં નાના વ્યવસાયકારો, દુકાનદારો, સ્ટ્રીટ વેન્ડર, ઓટો ડ્રાયવર સહિતના વ્યકિતગત ધંધા-વેપાર કરતા અને કારીગરોને લોકડાઉનની સ્થિતીમાંથી પૂન: બેઠા કરવા જાહેર કરેલી આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના માટેના અરજી ફોર્મ આગામી તા. ર૧મી મેથી અપાશે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગેની વધુ વિગતો આપતાં કહ્યું કે, આવા અરજી ફોર્મ રાજ્યભરમાં ૧૦૦૦ જેટલી જિલ્લા સહકારી બેન્ક શાખાઓ, ૧૪૦૦ અર્બન કો-ઓપરેટીવ બેન્કસ અને ૭ હજારથી વધુ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીઝ મળી નવ હજાર જેટલા સ્થળોએથી મેળવી શકાશે.

તેમણે ઉમેર્યુ કે, આ મહત્વાકાંક્ષી યોજનાનો લાભ લેવા માટે માત્ર અરજી ફોર્મ ભરીને તા.૩૧મી ઓગષ્ટ સુધીમાં પરત આપવાના રહેશે. અન્ય કોઇ ફી કે ચાર્જ આ હેતુસર લેવામાં આવવાનો નથી. આ લોન કોઇ પણ જાતની ગેરંટી વગર અપાશે તેમજ માત્ર ર ટકા વ્યાજના દરે આપવામાં આવશે. એટલું જ નહિ, લોનના પ્રથમ ૬ માસ સુધી કોઇ હપ્તો પણ વસુલવામાં નહિં આવે.

આ મહત્વપૂર્ણ યોજના અંતર્ગત આવી લોન સહાય અંતર્ગત સમગ્રતયા અંદાજે પાંચ હજાર કરોડનું ધિરાણ પુરૂં પાડી લોકડાઉનની સ્થિતીમાંથી નાના ધંધો વેપાર-વ્યવસાયીકોને આર્થિક આધાર આપી પૂન: પૂર્વવત કરવામાં અને ૧૦ લાખ લોકોને આત્મનિર્ભર બનવામાં રાજ્ય સરકાર સહાયક બનશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે વ્યકત કર્યો હતો.