કોરોના મહામારી સામે સમગ્ર ગુજરાત લડી રહ્યું છે: Dy. CM નીતિન પટેલ

રાજ્યના અર્થતંત્રને વેગવાન બનાવવા રૂપિયા 14 હજાર કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ સરકારે જાહેર કર્યું છે

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે કોરોના મહામારી સામે સમગ્ર ગુજરાત એકજૂટ થઇ લડી રહ્યું છે, ત્યારે લોકડાઉન પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારે ગુજરાતને પુનઃધબકતું કરવા માટે ધંધા, રોજગાર ,ઉદ્યોગો, વાહન વ્યવહાર સહિતની વિવિધ પ્રવૃતિઓ તબક્કાવાર શરૂ કરવામાં આવી છે. કોરોના મુક્ત ગુજરાત માટે સૌને સંકલ્પબદ્ધ થવા તેમણે અનુરોધ કર્યો હતો. નાયબ મુખ્ય મંત્રીએ પહેલીવાર વડોદરા જિલ્લા આયોજન મંડળની ઓનલાઇન ડિજિટલ બેઠક યોજી હતી.

તેમણે ઉમેર્યું કે રાજ્યમાંથી કોરોના સંક્રમણ હજુ ગયું નથી, કોરોનાનો પડકાર હજુ ઊભો છે એટલે આપણે સૌએ તકેદારી રાખવી જરૂરી છે. રાજ્ય સરકારના આરોગ્ય, મહેસુલ વિભાગ પોલીસ તંત્ર તથા અન્ય વિભાગના સહયોગથી કોરોના સંક્રમણને અટકાવવામાં આપણે ચોક્કસ સફળ રહ્યા છીએ. સૌ નાગરીકો સામાજિક અંતર જાળવે, માસ્ક પહેરે તેમજ ભીડભાડ ન થાય તેની ખાસ તકેદારી રાખવા તેમને જિલ્લાનાં પદાધિકારીઓ, અધિકારીઓને જણાવ્યું હતુંપટેલે ઉમેર્યું કે વડોદરા શહેર કોરોનાથી પ્રભાવિત થયું છે, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના છૂટાછવાયા કેસો નોંધાય છે.

લોકડાઉનના સમયમાં લોકડાઉનનો અસરકારક અમલ કરવા સાથે કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લા પ્રશાસન,મહાનગરપાલિકા નગરપાલિકાઓ તેમજ તાલુકા પંચાયતો દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી હતી જેથી કોરોના ના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે, જે બદલ તેમને જિલ્લા પ્રશાસન સહિત તમામ ને અભિનંદન આપ્યા હતા.નીતિનભાઇ પટેલે ઉમેર્યું કે રાજ્યમાં વેપાર ધંધા ઉધોગ પુનઃ ધબકતા થાય તે માટે રાજ્ય સરકારે રૂપિયા ૧૪,૦૦૦ કરોડનું આત્મનિર્ભર ગુજરાત પેકેજ જાહેર કર્યુ છે. એટલું જ નહીં અગાઉ પણ નાના દુકાનદારો ફેરિયાઓ કારીગરો ના ધંધા પણ પુન શરૂ થાય તે માટે રાજ્ય સરકારે આત્મનિર્ભર ગુજરાત યોજના જાહેર કરી છે.

આ તમામ સહાય યોજનાઓનો લાભ સહકારી બેંકો મારફતે આવા ધંધાર્થીઓને મળે તે માટે અધિકારી,પદાધિકારીઓને મદદરૂપ થવા જણાવ્યું હતું પટેલે ઉમેર્યું કે રાજ્ય સરકારે લોક ડાઉન ના સમયમાં ગરીબ-મધ્યમવર્ગને શક્ય તેટલી તમામ મદદ કરવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે .
તેમણે ચોમાસાની ઋતુ શરૂ થઈ છે, ત્યારે ચોમાસામાં ડેન્ગ્યુ મેલેરિયા જેવો રોગચાળો ન ફેલાય તે માટે શહેરી વિસ્તારોમાં સુવિધાઓ સાથે સ્વચ્છતા જળવાઈ રહે તે જોવા ચીફ ઓફિસરને તેમને તાકીદ કરી હતી.