ગુજરાતમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશ જેવું કશું નથી

31 માર્ચે પ્રથમ સ્થાનેથી 10 ક્રમે ફંગોળાયું, વર્તમાનમાં 14-15 સ્થાને ધકેલાયું હશે

એક સમયે ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર રહેતું ગુજરાત રાજ્ય રાજ્ય સરકારની અણઆવડત અને અમુક ચોક્કસ ઉદ્યોગોને મદદરૂપ બનવાની નીતિઓને કારણે છેલ્લા ક્રમે ધકેલાઈ રહ્યું હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકત્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતુ કે વર્લ્ડ બેંક દ્વારા બિઝનેસના રજિસ્ટ્રેશનની પ્રોસેસ, જમીન ખરીદી અને ટ્રાન્સફર સાથે અને ટાઇટલની સ્ટ્રેન્થ, વીજ કનેક્શનથી લઈને બેંક ક્રેડિટમાં લાગતો સમય, વાણિજિયક કાયદાઓ, અન્ય કાયદાકીય બાબતોમાં કેટલા સમયમાં નિવેડો આવે છે, ફડચાની પ્રક્રિયા વગેરે જેવા પેરામીટરનો અભ્યાસ થાય છે અને તેના આધારે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશમાં ક્રમાંક આપવામાં આવતા હોય છે.

ગુજરાતમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશ છે જ નહીં, માત્ર વાતો થાય છે અને ગુજરાત દેશમાં પહેલાં સ્થાનેથી ૩૧ માર્ચની સ્થિતિએ દશમાં સ્થાને ફંગોળાયું છે, અત્યારની સ્થિતએ ૧૪-૧૫ સ્થાને પહોંચી ગયું હશે અને હજી તેનાથી પાછળ ધકેલાઈ જશે તે અંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્રસ્ટીઝના હાલમાં નવા વરાયેલા પ્રમુખશ્રી નટુભાઈ પટેલે પુર્વ પ્રમુખોની વિડીયો કોન્ફરસ મીટીગમાં ચર્ચા કરીને સત્ય હકીકત બહાર લાવીને ઉદ્યોગોના પ્રશ્નો ઉકેલવા અને મદદરૂપ બનવા માટે સરકારની સામે બાંયો ચડાવીને આંખ ઉઘાડવાનું કામ કર્યું છે તે આવકારદાયક અને સરાહનીય છે. ગુજરાત ચેમ્બર જેવી સંસ્થામાં વર્ષો પછી ઉદ્યોગોના પ્રશ્નો અંગેની સત્ય હકીકત સરકાર સામે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ગુજરાત ચેમ્બરના પ્રમુખે ઓનલાઈન વીડીયો કોન્ફરન્સથી બોલાવેલી મીટીંગમાં પુર્વ પ્રમુખોએ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે ગુજરાત સરકારના કરપ્ટ અધિકારીઓ બિઝનેશ ઈન્ડસ્ટ્રીઝના કામ થવા દેતા નથી, વેસ્ટ ડીસ્પોઝલ અવરનેસ લાવવી જોઈએ, સરકાર ઉંઘતી રહી છે, ગુંડા અને અસામાજીક તત્વો કાયદાના કારણે બ્લેક મેઈલ વધશે, સીંગલ વીન્ડો સીસ્ટમનો અમલ થતો નથી, વ્યાજના અને મોનેટોરીયમ પ્રશ્નો યથાવત છે, નાણાંકીય કટોકટી ઉભી થઈ છે વગેરે પ્રશ્નોની સીધી અસર ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પર પડે છે. સરકાર આવા ભ્રષ્ટ અધિકારીઓને કંટ્રોલ નહીં કરે તો ગુજરાત બિઝનેસમાં હજુય નીચે પટકાશે તેમજ સરકારી અધિકારીઓ તરફથી સહકાર નહીં મળે તો ભવિષ્યમાં આવતા નવા મુડીરોકાણ પણ અટકી જશે. ત્યારે રાજ્યની ઔદ્યોગિક અગ્રીમ સંસ્થાઓના પ્રમુખ અને પુર્વ પ્રમુખો આ વાત જાણે છે અને ચર્ચા કરે છે તો મુખ્યમંત્રી, સરકારમાં બેઠેલા મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓને આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લેતા કોણ રોકે છે?

ગુજરાત ચેમ્બરે જે ભય બતાવેલ કે અધિકારીઓ તરફથી સહકાર નહીં મળે રાજ્યમાં નવા ઉદ્યોગો નહીં આવે તેનું ઉત્તમ ઉદાહરણ છે કે તાજેતરમાં જ ૧૯,૦૦૦ એકરમાં દુનિયાની સહુથી મોટી ફાર્મા સીટી ગુજરાતની જગ્યાએ તેલંગાણામાં આવશે. તેમજ તેલંગણા સરકાર જેના માટે જમીન ફાળવવામાં આવી હોય તેમાં ઉદ્યોગો શરૂ ન કરે તો હજારો એકર જમીનો પરત લીધી છે જ્યારે ગુજરાતમાં તો ટાટાને એફોર્ડેબલ કાર નેનો બનાવવા આપેલી જમીનમાં નેનોનું ઉત્પાદન થતું ન હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી તેવા અનેક દાખલાઓ છે ત્યારે બિઝનેસને સમજવા માટે રાજકીય ઈચ્છાશક્તિ અને વિઝન જોઈએ જે અત્યારના મુખ્યમંત્રી અને ઉદ્યોગના મુખ્ય અધિકારીઓ પાસે નથી.

ઉદ્યોગોને નવા-નવા કાયદાઓ અને નવી-નવી નીતિઓ બનાવીને પજવવાથી ઈઝ ઓફ ડુઈંગમાં પહેલા-બીજા નંબરેથી તળિયે જ પછડાય અને ગુજરાત રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને ઉત્તર પ્રદેશ કરતાં પણ પાછળ ધકેલાયું છે. ત્યારે ગુજરાતના નાના-મોટા તમામ ઉદ્યોગના પ્રશ્નો ઉકેલવા ચોક્કસ નીતિ બનાવવા બાબતે શ્રી નટુભાઈ પટેલે ગુજરાત ચેમ્બરના પ્રમુખ તરીકે ઘણા લાંબા સમય પછી લાલ આંખ કરીને બાંયો ચડાવી છે તેને સરકારે હકારાત્મક અભિગમ સાથે લેવાની માંગ કોંગ્રેસ પક્ષે કરી છે.