ગુજરાતના ત્રણ શિક્ષકોને 5 સપ્ટે. રાષ્ટ્રપતિના હસ્તેના એવોર્ડ

૫મી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે સમગ્ર દેશમાંથી શ્રેષ્ઠ શિક્ષકો પસંદ કરીને શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી પામેલ શિક્ષકોને રાષ્ટ્રપતિ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક તરીકેના રાષ્ટ્રીય એવોર્ડ ૫ મી સપ્ટેમ્બર શિક્ષકદિનના દિવસે એનાયત કરવામાં આવે છે. આ વર્ષે શ્રેષ્ઠ શિક્ષક તરીકે ની પસંદગી માટે સમગ્ર દેશમાંથી 36 રાજ્યોમાંથી કુલ ૪૭ શિક્ષકો ને શ્રેષ્ઠ શિક્ષકના રાષ્ટ્રીય એવોર્ડ માટે ભારત સરકારના શિક્ષણ વિભાગે પસંદ કર્યા છે.

તેમાંથી ગુજરાતના ત્રણ શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષકોના રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેના રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદ થનાર આ ત્રણેય શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવીને જણાવ્યું છે કે આ શિક્ષકોએ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામીને ગુજરાતના શિક્ષણ ક્ષેત્રને ગૌરવવંતુ બનાવ્યું છે.

શ્રેષ્ઠ શિક્ષક તરીકે ના રાષ્ટ્રીય એવોર્ડ માટે ગુજરાતમાંથી જે ત્રણ શિક્ષકોની ભારત સરકાર દ્વારા પસંદગી કરવામાં આવી છે તેમાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ટીડાણા ગામના મહિપાલસિંહ સજ્જનસિંહ જેઠા વત, સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કંજેલી ગામના પ્રકાશચંદ્ર નરભેરામ સુથાર તથા અમદાવાદના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા સુધા ગૌતમભાઈ જોષી નો સમાવેશ થાય છે. આ ત્રણેય શિક્ષકો ને આગામી ૫મી સપ્ટેમ્બર શિક્ષક દિન ના દિવસે રાષ્ટ્રીય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરી તેઓનું રાષ્ટ્રપતિ દ્વારા બહુમાન કરાશે.