સંસદ અને વિધાનસભાઓ ચાલુ કરો: સરકાર પાસે બુદ્ધિનો ઈજારો નથી

કોરોના મહામારી આવી પછી દેશમાં સંસદ અને વિધાનસભાઓને બંધ કરી દેવામાં આવ્યાં છે. આમેય સંસદ અને વિધાનસભાઓ વર્ષમાં બહુ ઓછા દિવસો મળતાં હોય છે અને હવે કોરોના મહામારીનું બહાનું કાઢીને તેમનાં સત્રો બોલાવવાનું જ બંધ કરી દેવામાં આવ્યું છે. બંનેને ફરી તત્કાલ ચાલુ કરવાં જોઈએ. આ સંદર્ભમાં કેટલાક મહત્ત્વના વિચારણીય મુદ્દા નીચે મુજબ છે.

(1) સંસદ અને વિધાનસભાઓ ભારતની લોકશાહીમાં સરકારનું ઉત્તરદાયિત્વ ઊભું કરનારી ખૂબ જ અગત્યની સંસ્થાઓ છે. અત્યારે ભારત સરકાર અને રાજ્ય સરકારો તદ્દન બેજવાબદાર બનીને વર્તી રહી છે અથવા હજુ વર્તી શકે છે કારણ કે સત્તાધારી પક્ષના કે વિપક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકારને સવાલો પૂછી શકતા નથી અને જવાબો આપવા માટે સરકાર મજબૂર બનતી નથી. અમેરિકા અને યુરોપમાં આ કપરા કાળમાં પણ સંસદો અનેક દિવસો ચાલુ રહી છે. આર્થિક વિકાસની બાબતમાં એમના જ દાખલા આપવામાં આવતા હોય તો લોકશાહી રીતરસમમાં પણ એમને અનુસરવાની જરૂર છે.


(2) ભારતમાં હાલ સરકારો વટહુકમો કે ઠરાવો કે પરિપત્રો બહાર પાડીને શાસન કરી રહી છે. પરિણામે સરકારો કોઈને જવાબદાર બનતી નથી. જેમ કે, ગઈ પાંચમી જુને ભારત સરકારે કરારી ખેતી અને ખેતપેદાશોના વેચાણ અંગે બે વટહુકમો બહાર પાડીને રાજ્ય સરકારોની સત્તાઓ લગભગ છીનવી લીધી છે અને રાજ્ય સરકારોની ખેતી વિષયક સત્તાઓ પર મોટો કાપ આવ્યો છે. આ સારું થયું કે ખોટું થયું તે જુદો મુદ્દો છે પણ રાજ્ય સરકારો સાથે કોઈ પણ જાતની મસલતો કર્યા વિના જ આ વટહુકમો બહાર પાડવામાં આવ્યા છે અને એ રીતે દેશના સમવાયી માળખાને મોટી હાનિ પહોંચી છે એમ કહી શકાય તેમ છે, કારણ કે બંધારણની અનુસૂચિ-7 મુજબ ખેતપેદાશોનું વેચાણ એ રાજ્યોનો વિષય છે.
(૩) જ્યારે વિધાનસભાઓ અને સંસદ ચાલુ હોય ત્યારે તેઓ માત્ર કાયદા કરે છે એવું નથી, પણ અનેક સરકારી કામકાજો અંગેના અને સરકારી નિગમો અંગેના અહેવાલો તેમના મેજ પર મૂકાય છે અને તેમાં તેમની ચર્ચા થાય છે અથવા છાપાં અને ટીવી ચેનલો પર તેમની મુક્ત ચર્ચા થાય છે અને તેથી લોકો સરકારી કામકાજ વિષે માહિતગાર થાય છે. બંને બંધ હોવાથી આ બાબતમાં સાવ જ અંધારું થઈ ગયું છે.
(4) કોરોના મહામારીના સંદર્ભમાં સરકારી સચિવાલયોમાં તો કામકાજ ચાલુ જ છે તો પછી સંસદ અને વિધાનસભાઓ શા માટે ચાલુ કરવામાં આવતાં નથી? શું સરકારો, પછી ભલે તે ગમે તે પક્ષોની હોય, તેમણે જે પગલાં આ મહામારીના સંજોગોમાં તેને નાથવા માટે લીધાં છે તેની સમીક્ષા ના થાય એમ ઈચ્છે છે? સરકાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે સૂચનો કે ટીકાઓ કરે તેને લીધે સુધરી શકે છે અને તેને પરિણામે કોરોના મહામારી સામે વધુ સારી રીતે લડી શકાય છે. સરકારે એમ સમજવું જોઈએ કે નહિ તેની પાસે બુદ્ધિનો ઈજારો છે. લોકશાહીનો અર્થ જ એ છે કે દરેક વ્યક્તિ બુદ્ધિ ધરાવે છે અને તે શાસન વ્યવસ્થામાં ભાગીદાર થઈ શકે છે. લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની વ્યવસ્થા જ એટલા માટે હોય છે કે જેથી સરકારમાં બેઠેલા સર્વસ્વ અને સર્વેસર્વા બની ના જાય.
(5) લોકશાહીમાં સંસદ અને વિધાનસભાઓ એ લોકોના સવાલોને અહિંસક રીતે વાચા આપવાનાં સાધનો છે. જો એ રસ્તો બંધ થઈ જાય તો લોકો હિંસક રીતે પોતાના પ્રશ્નોને વાચા આપવાનો રસ્તો અપનાવે એવી સંભાવના વધી જાય છે.

  • હેમન્તકુમાર શાહ