કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું 74 વર્ષની વયે નિધન

કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું આજે દિલ્હીમાં નિધન થયું છે. તેમના પુત્ર અને એલજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને આ વાતની પુષ્ટિ કરી છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને દિલ્હીની એસ્કોર્ટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા અને 74 વર્ષીય રામવિલાસ પાસવાને અંતિમ શ્વાસ લીધા છે. ચિરાગ પાસવાને ટ્વિટ કરીને આ માહિતી આપી હતી.

ચિરાગ પાસવાને પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, “પાપા …. હવે તમે આ દુનિયામાં નથી પરંતુ હું જાણું છું કે તમે હંમેશાં જ્યાં પણ હશો મારી સાથે રહશો. મિસ યુ પાપા …”.

રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ રામવિલાસ પાસવાનને મજાકમાં હવામાન શાસ્ત્રી કહીને બોલાવતા હતા. તેનું મુખ્ય કારણ એ હતું કે રામ વિલાસ પાસવાન હંમેશાં સત્તાની સાથે રહ્યા છે. તેમણે 6 વડા પ્રધાનો સાથે મંત્રીમંડળમાં કામ કર્યું. રામ વિલાસ પાસવાન, જે એક સમયે કોંગ્રેસની સત્તાની વિરુદ્ધ કટોકટી દરમિયાન જેલમાં ગયા હતા, બાદમાં તેમની અધ્યક્ષતાવાળી યુપીએ સરકારમાં પ્રધાન હતા. તે દરમિયાન ભાજપ તેમની નીતિઓનો વિરોધ કરતા પરંતુ પાસવાન વર્તમાન મોદી સરકારમાં ફરીથી મંત્રી બન્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામવિલાસ પાસવાનના નિધન પર દુ:ખ વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું, મેં એક મિત્ર, મૂલ્યવાન સાથીદાર અને એવી કોઈ વ્યક્તિ ગુમાવી છે કે જે દરેક ગરીબ વ્યક્તિ ગૌરવપૂર્ણ જીવન જીવે તેની ખાતરી કરવા માટે ખૂબ ઉત્સાહી હતો.

રામવિલાસ પાસવાન વર્ષ 1977માં પહેલીવાર જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હાજીપુર સીટ પરથી જીતીને લોકસભામાં પહોંચ્યા હતા. હાજીપુરમાં તેમણે રેકોર્ડ વોટથી જીત મેળવી દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. જે બાદ વર્ષ 1980ની લોકસભાની ચૂંટણીમાં આ સીટ પરથી ફરીવાર જીત મેળવી.