છેલ્લા 24 કલાકમાં રાજ્યના 179 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ

રાજ્યના 17 તાલુકાઓમાં બે થી પોણા ચાર ઈંચ સુધીનો વરસાદ વરસ્યો

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે તા. ૨૦મી ઓગસ્ટ-૨૦૨૦ની સવારે ૬.૦૦ કલાકની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જિલ્લાના ૧૭૯ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં ૧૭ તાલુકાઓ એવા છે કે જ્યાં બે થી પોણા ચાર ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં સૌથી વધુ ૯૫ મીમી એટલે કે પોણા ચાર ઈંચ, અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ૮૫ મીમી, આણંદના બોરસદ તાલુકામાં ૮૧ મીમી, નવસારીના ચીખલી-વાંસદા અને વલસાડ તાલુકામાં ૭૭ મીમી એટલે કે ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે પેટલાદ, ગણદેવી, વઢવાણ, સૂઈગામ, ડેડિયાપાડા, સુબિર, વઘઈ, બારડોલી, ડાંગ-આહવા, નવસારી અને કાંકરેજ તાલુકામાં ૫૦ મીમી થી ૭૧ મીમી એટલે કે બે થી ત્રણ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

છેલ્લાં ચોવીસ કલાકમાં રાજ્યના ૩૦ તાલુકાઓમાં એક થી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં મહુવા(સુરત), ધરમપુર, સોનગઢ, ચોર્યાસી, લખતર, જલાલપોર, કપરાડા, ગોંડલ, વાલોડ, વ્યારા, ભરૂચ, ઉમરપાડા, માંડવી(સુરત), આંકલાવ, કુંકરમુંડા, પલસાણા, દસાડા, લાલપુર, સમી, જામકંડોરણા, નાંદોદ, કલ્યાણપુર, સાગબારા, ડોલવાણ, ધંધુકા, લિમડી, સુરત શહેર, ઉમરગામ, વિરમગામ, માંગરોળ(સુરત) અને ભાભોર તાલુકામાં ૨૫ મીમી થી ૫૦ મીમી એટલે કે એક થી બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તે ઉપરાંત ૩૨ તાલુકાઓમાં અડધા થી એક ઈંચ જયારે ૯૬ તાલુકાઓમાં અડધા ઈંચથી ઓછો સામાન્ય વરસાદ વરસ્યો હોવાનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવાયું છે.

રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ ૮૬.૭૨ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૫૦.૦૭ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૮.૪૭ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૭૮.૫૫ ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં ૬૬.૮૬ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૬૩.૨૫ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં થયેલ વરસાદને કારણે રાજ્યના નર્મદા સહિત ૨૦૬ જળાશયો ભરાયા છે. સરદાર સરોવર ડેમમા હાલ ૧,૮૫,૫૭૯ એમસીએફટી પાણીના સંગ્રહ સાથે કુલ સંગ્રહ ૫૫.૫૫ ટકા જેટલો થયો છે.

રાજ્યના ૬૨ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે. તે ઉપરાંત ૬૫ જળાશયો એવા છે કે જે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર સહિત ૨૪ જળાશયો એવા છે કે જેમાં ૫૦ થી ૭૦ ટકા પાણી ભરાયા છે. ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ૨૯ જળાશયો જયારે ૨૫ ટકાથી ઓછા ભરાયા હોય એવા ૨૫ જળાશયો ભરાયા હોવાની માહિતી જળ સંપત્તિ તરફથી આપવામાં આવી છે.

રાજ્યમાં થઈ રહેલાં વરસાદને પરિણામે ૧૬૪ માર્ગો અસરગ્રસ્ત થયા છે. જેમાં પંચાયત હસ્તકના ૧૪૯ માર્ગોનો સમાવેશ થાય છે. આ માર્ગો સત્વરે પૂર્વવત થાય એ માટે વહીવટી તંત્ર દ્વારા સક્રીય પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.