યુપીના મંત્રી અને ભૂતપૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણનું નિધન

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અને હાલ ભાજપના ધારાસભ્ય તેમજ ઉત્તરપ્રદેશ સરકારના મંત્રી ચેતન ચૌહાણનું નિધન થયું છે. નોંધનીય છે કે, ચેતન ચૌહાણનો કોરોના વાયરસથી સંક્રમિત હતા જેને પગલે તેમની સારવાર ગુરુગ્રામ ખાતે મેદાંતા હોસ્પિટલમાં ચાલી રહી હતી.

73 વર્ષીય ચેતન ચૌહાણની તબિયત એક દિવસ પહેલા જ લથડી હતી કિડની ફેઈલ થતા તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. જુલાઈ માસમાં ચેતન ચૌહાણનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેતન ચૌહાણના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તે ઉપરાંત યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ચેતન ચૌહાણના નિધન પર શોક પ્રગટ કર્યો છે.

ચેતન ચૌહાણ ભારતીય ક્રિકેટ ટીમનો મહત્વપૂર્ણ બેટ્સમેન રહ્યા છે તેમજ ભારતીય ક્રિકેટ ટીમ માટે 40 ટેસ્ટ મેચ રમી છે. આ સિવાય ચેતન ચૌહાણે સાત વનડેમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. ચેતન ચૌહાણે ટેસ્ટ મેચોમાં 2084 રન બનાવ્યા છે. ટેસ્ટ મેચોમાં સર્વોચ્ચ સ્કોર 97 રન છે.