વડોદરાની બે નાની બહેનો એક વર્ષ સુધી શોપિંગ નહીં કરે તેમજ પોતાનો જન્મ દિવસ નહિ ઉજવે

PMનું રાષ્ટ્રજોગ સંબોધન સાંભળ્યા બાદ આવો સંકલ્પ કર્યો, જિલ્લા કલેકટરએ ટ્વીટ કરી જગતને જાણ કરી

કોરોના સંકટના આ કપરા કાળમાં માનવીય સંવેદના અને સેવા સંકલ્પોની અનેરી ગાથાઓ પ્રકાશમાં આવી રહી છે.વડોદરાના ભટ્ટ પરિવારની બે નાનકડી અને લાડકી દીકરીઓએ લાગણીશીલતા ના સ્પર્શ થી ભરેલી એક સંવેદના કથા, આટલી નાની ઉંમરે એક વડીલને શોભે તેવી સમજ,સહુને સહાયક બનવાની ભાવના અને નિઃસ્વાર્થ સેવાના આટલી નાની ઉંમરે પચાવેલા સંસ્કારોથી કડી રૂપે જોડી છે અને સહુને પ્રેરણા આપી છે.

કોરોના સંકટને અનુલક્ષીને હાલમાં પ્રધાનમંત્રીશ્રી દ્વારા અવાર નવાર રાષ્ટ્રને સંબોધન કરવામાં આવે છે.તેઓ રાષ્ટ્રને આ સંકટનો મુકાબલો કેવી રીતે કરવો તેનું માર્ગદર્શન આપવાની સાથે પ્રત્યેક નાગરિક આ સંકટની ઘડીમાં કેવી રીતે રાષ્ટ્રને મદદરૂપ બની શકે એની પ્રેરણા અને દિશા દર્શન કરાવે છે.

ભટ્ટ પરિવારની 7 વર્ષની સર્વા અને 12 વર્ષની દૂર્વા એ મોદી દાદાને સાંભળ્યા અને એમના નાનકડા મનમાં પોતે દેશને કેવી સહાયક બની શકે એનો વિચાર જાગ્યો અને એમણે પોતાના પિતા યશ ભટ્ટ અને માતા સ્મિતા ભટ્ટ સમક્ષ એક સંકલ્પ વ્યક્ત કર્યો.આ બંને નાનકડી પરીઓએ માતાપિતાને કહ્યું કે અમે એક વર્ષ સુધી શોપિંગ નહિ કરીએ અને એના પૈસા પણ તમારી પાસે નહિ માંગીએ.એટલું જ નહિ જુલાઈમાં આવતો અમારો આગામી જન્મ દિવસ પણ નહિ ઉજવીએ.

પરંતુ અમારા આ સંકલ્પથી જે બચત થાય એ અને તમને યોગ્ય લાગે એટલો તમારો ફાળો ઉમેરી અમને એ રકમ આપો. અમારે એ રકમ નરેન્દ્ર દાદાના કોરોના રાહત ફંડ માં આપવી છે.
નાનકડી દીકરીઓની આટલી ઊંચી સમજ , પોતાના હક્કનું જતું કરીને મુશ્કેલીમાં હોય એમને મદદરૂપ થવાની ભાવના અને માનવિયતા જોઈને માતા પિતા લાગણીથી અભિભૂત થઈ ગયા.
એમણે તુરત જ રૂ.1 લાખની રકમ પી.એમ.કેરમાં યોગદાન રૂપે જમા કરાવવાનો નિર્ણય કર્યો.એટલું જ નહિ સ્મિતાબેન ગઇકાલે જ કલેકટર કચેરી પહોંચી ગયા અને જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલને મળીને આ રકમ જમા કરાવી.

સ્મિતાબહેને જણાવ્યું કે સંકટની ઘડીએ રાષ્ટ્રને મદદરૂપ થવાની સહુની ફરજ છે.પરંતુ અમારી નાનકડી દીકરીઓ આટલી ઊંચી સમજદારી બતાવશે અને અમને પોતાને સેવાની નવી દિશા દર્શાવશે એની કલ્પના ન હતી.મને લાગે છે કે અમારી દીકરીઓની આ સમજદારી અને સંકલ્પ ઘણાં લોકોને પ્રેરણા આપશે.અમારી દીકરીઓ એ ખરેખર સાવ નાની વયે અમને અને અમારા પરિવારનું ગૌરવ વધાર્યું છે. જિલ્લા કલેકટર એ પણ આ બંને નાનકડી દીકરીઓની ભાવના ને બિરદાવી છે અને ટ્વીટ કરીને લોકોને તેમના આ પ્રેરક કાર્યની જાણ કરી છે.

એક ખાસ વાત એ છે કે સર્વા અને દૂર્વા,બંનેના જન્મ વર્ષ અલગ છે પણ જન્મ તારીખ એક જ છે સાતમી જુલાઇ.આ વર્ષે કદાચ પ્રથમ વખત એવું બનશે કે પરિવારની લાડકીઓ એમનો જન્મ દિવસ નહિ ઉજવે પણ નહિ ઉજવેલો જન્મ દિવસ,જીવનમાં હવે પછી તેઓ ઉજવશે એ તમામ જન્મ દિવસોની ખુશીઓના સરવાળા થી અનેક ગણી ખુશી નિશ્ચિત આપશે.સલામ સર્વા,સલામ દૂર્વા અને સલામ ભટ્ટ પરિવાર તમારી આ સંવેદના અનેકોની પ્રેરણા બની રહેશે. આ બંને દીકરીઓના માતા સી.એસ.અને પિતા સી.એ. છે.