2013 અને 2020 વચ્ચે શું તફાવત છે?

સાત વર્ષના તફાવતનું પત્રકાર પુણ્યપ્રસૂન બાજપાઈએ આંખ ખોલનારું વિષ્લેષણ કર્યું છે. 15 ઓગષ્ટ 2020ના રોજ વડાપ્રધાને 86 મિનિટનું ભાષણ લાલ કિલ્લા ઉપરથી આપ્યું; 2013 માં તેઓ ગુજરાતના CM હતા ત્યારે 15 ઓગષ્ટ 2013ના રોજ ભૂજની લાલન કોલેજમાં ચિત્રકારે લાલ કિલ્લાનો માહોલ ઊભો કર્યો હતો; ત્યારે PM મનમોહનસિંહ સામે સવાલોનું પોટલું ખોલ્યું હતું. લાગતું હતું કે જો આ CM, PM બની જાય તો દરેક સવાલોના જવાબ મળી જાય ! 10 સવાલો આ હતા : [1] મનમોહનસિંહજી, ચીન ભારતની સીમામાં ઘૂસી આવે છે; આપ શું કરો છો? [2] સુપ્રિમકોર્ટની સક્રિયતા કેમ નથી? જો સુપ્રમકોર્ટની સક્રિયતા ન હોય તો વહિવટીતંત્રમાં ભ્રષ્ટાચાર વધી જાય છે ! [3] મનમોહનસિંહજી, એ બતાવો કે દેશની આર્થિક સ્થિતિ ઠીક ક્યારે થશે? ડોલરના મુકાબલે રુપિયો ગગડી રહ્યો છે તે ઉપર કઈ રીતે જશે, એ બતાવો ! ખામોશ કેમ છો? જો દેશની આર્થિક સ્થિતિ ડામાડોળ થશે તો દેશની સ્થિતિ બગડી જશે; એનો અહેસાસ તમને કેમ નથી?[4] મનમોહનસિંહજી, બેરોજગારી તમને દેખાતી નથી? જો બેરોજગારીનો ઉપાય નહીં થાય તો સ્થિતિ વિકટ બની જશે ! ગુજરાત મોડલ જૂઓ; ગુજરાતમાં સૌથી ઓછા બેરોજગાર છે ! ગુજરાત નંબર-1 છે, રોજગાર આપવામાં ! [5] મનમોહનસિંહજી, ફેડરલ ઢાંચો છે તેથી દરેક રાજ્યોને સાથે લઈને ચાલો ! જો કોઈ રાજ્યો પછાત રહે તો દેશનો વિકાસ કઈ રીતે થશે? ગુજરાતનો કોઈ જિલ્લો પછાત રહે તો ગુજરાતનો વિકાસ થાય ખરો? [6] આદિવાસીઓ/માછીમારો/હાંસિયામાં ધકેલાયેલ વર્ગ માટે શું કરો છો? જવાબ આપો ! નેહરુએ પોતાના પ્રથમ ભાષણમાં જે વાત કરી હતી, તે વાત આપ દર વખતે રીપીટ કરો છો; તો જવાબ આપો આપે 60 વર્ષમાં શું કર્યું? [7] આપ શિક્ષણ પ્રત્યે ધ્યાન કેમ આપતા નથી? 2001 માં હું જ્યારે CM બન્યો ત્યારે ગુજરાતમાં 13 યુનિવર્સિટી હતી; 2013માં 41 યુનિવર્સિટીઝ છે ! મનમોહનસિંહજી આપ કંઈક કરો ! [8] આપ આરોગ્યસેવા પ્રત્યે ધ્યાન કેમ આપતા નથી? [9] ઈન્ફ્રાટ્રકચર પ્રત્યે કેમ ધ્યાન આપતા નથી? [10] ગુજરાતમાં વિકાસ સાથે લોકોને/વેપારીઓને જોડવામાં આવ્યા છે; વાયબ્રન્ટ ગુજરાતના મોડલથી વિકાસ થઈ રહ્યો છે; મનમોહનસિંહજી આપ કેમ કંઈ કરતા નથી?

2020ની સ્થિતિએ ચોકીદારે શું કર્યું? [1] ચીની સૈનિકોએ ભારતના 20 સૈનિકોને શહીદ કરી નાંખ્યા પણ ચીનનું નામ લઈને ટીકા પણ ન કરી ! ચીન લદાખની ગાલવાન ઘાટીમાં ઘૂસી ગયું તોપણ કહ્યું કે ચીન ભારતની સીમામાં ઘૂસ્યું નથી !
[2] સુપ્રિમકોર્ટની સક્રિયતા જ ખતમ કરી નાખી ! ચીફ જસ્ટિસ નિવૃત થયા તો થોડાં દિવસમાં જ પાર્લામેન્ટમાં બેસાડી દીધા !
[3] આર્થિક સ્થિતિ ડામાડોળ છે. GDP/રુપિયો ગગડી ચૂક્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે.
[4] આપણે માની લઈએ છીએ કે બંધારણીય હોદ્દા ઉપર બેઠેલ સાચી માહિતી આપે છે; સાચા આંકડા આપે છે; પરંતુ એવું નથી. ગુજરાત રોજગાર આપવામાં નંબર-1 છે, તે જૂઠ હતું. CMI ના આંકડા મુજબ તે વખતે ગુજરાતનો 8મો ક્રમ હતો; મતલબ કે ગુજરાત કરતા સાત રાજ્યો આગળ હતા ! છતાં ગપ્પું માર્યું ! રોજગારમાં 2020 ની સ્થિતિ એ છે કે 40 વર્ષમાં ન્હોતી એટલી બેરોજગારી ઊભી કરી દીધી !
[5] દેશના 6 રાજ્યઓના CMને ફેડરલ ઢાંચા અંગે કેન્દ્ર સાથે વાંધો પડ્યો છે ! ફેડરલ સીસ્ટમ સમાન રીતે કામ કરશે તેની ચોખવટ કરાતી નથી !
[6] આદિવાસીઓ/માછીમારો/હાંસિયામાં ધકેલાયેલ વર્ગની જરુરિયાતોને બદલે પર્યાવરણની ચિંતા કરી ! દેશની ખનિજસંપતિનું વેલ્યુએશનની જરુરિયાત છે; વેલ્યુએશન એટલે મોનિટાઈઝેશન ! નેહરુએ પોતાના પ્રથમ ભાષણમાં દેશની ખનીજસંપતિનો વિકાસ માટે ઉપયોગ કરવાની સાથે તે વિસ્તારની જનજાતિઓના વિકાસની વાત કરી હતી. નર્મદા ડેમ ખાતે ટુરિઝમના વિકાસ માટે આદિવાસીઓને દૂર કરવાનું ચિત્ર આપણી સામે છે.
[7] દુનિયાના 150 દેશો કરતા ભારતમાં શિક્ષણ અને હેલ્થ સેક્ટરનું બજેટ સૌથી ઓછું છે ! ગુજરાતમાં 2013માં, 41 યુનિવર્સિટીઝ હતી; તે જૂઠ હતું ! UGCની વેબ સાઈટ જોતાં માલૂમ પડે છે કે ગુજરાતમાં ક્યારેય 41 યુનિવર્સિટીઝ હતી જ નહીં ! માત્ર 30 યુનિવર્સિટી જ છે ! CM તરીકે તેમના સમયે 14 યુનિવર્સિટી ખોલી હતી; પરંતુ 10 વર્ષમાં 14થી વધુ યુનિવર્સિટી ખોલી હોય તેવા 18 રાજ્યો હતા ! 14 યુનિવર્સિટી ખોલી હોય તેવા બીજા 6 રાજ્યો છે; કુલ 24 રાજ્યોને એકબાજુ મૂકીને ગુજરાત નંબર-1નો દાવો ખોટી રીતે કરાયો હતો !
[8] હેલ્થ સેક્ટરની હાલત કેવી સડેલી છે તે કોરોના મહામારીએ બતાવી દીધું છે ! કોરોના સંક્રમિતને ખાનગી હોસ્પિટલનો 12 લાખનો ચાર્જ ભરવો પડે છે ! કોરોનાથી નહીં, આર્થિક બોજથી દર્દીનો જીવ જતો રહે છે !
[9] ઈન્ફ્રાટ્રકચર પ્રત્યે ધ્યાન આપવાને બદલે પોર્ટ/એરપોર્ટ/રેલ્વેને વેચવાનું કામ કર્યું. લાલકિલ્લા જેવી 6 ઇમારતો પ્રાઈવેટ સેક્ટરને સોંપી દીધી છે. લોર્ડ ઓફ પોર્ટ અદાણી છે; હવે તે એરપોર્ટ ખરીદી રહ્યા છે ! કોમ્યુનિકેશન ઈન્ફ્રાટ્રક્ચર પણ ખાનગી છે. દેશ ચલાવવા પૂંજી જોઈએ. પૂંજીપતિઓ સત્તાપક્ષને ફાળો આપીને ધાર્યા કામો કરાવે છે. પૂંજી હોય તો ઈમેજ ચમકાવી શકાય ! સરકાર પૂંજીપતિઓની દરકાર લે છે; લોકોની નહીં. નોટબંધી અને લોકડાઉન વેળાએ તેનો અનુભવ નાગરિકોને થયો છે !
[10] વાયબ્રન્ટ અમદાવાદમાં વિદેશી મહેમાન ઝૂંપડપટ્ટી જોઈ ન જાય; ગરીબી જોઈ ન જાય; એટલા માટે રોડની કિનારે દિવાલ ચણવી પડે; તેવો વિકાસ થયો છે ! ‘વાયબ્રન્ટ ગુજરાત’માં, MOUના ઐતિહાસિક આંકડા હોવા છતાં બેરોજગારી વધી છે ! ‘વાયબ્રન્ટ’ના આંકડા; ગુજરાત મોડલના આંકડાની તપાસ કરતા માલૂમ પડે છે કે તે ફર્જી આંકડા હતા !

લાલકિલ્લાની ઊંચાઈથી ભાષણ આપતા પ્રધાનમંત્રીની નઝર આકાશ તરફ જ રહેતી હશે? બધું રંગીન ચિત્ર દેખાતું હશે? કેમ કોઈ ફરક પડતો નથી? આપણા બાળકો કેમ શિક્ષણથી વંચિત રહી જાય છે? બિમાર પડે ત્યારે સારવારથી વંચિત રહી જાય છે? કરોડો લોકો બેરોજગાર કેમ બની જાય છે? ઊંચા ઊંચા દાવાઓ કેમ ધરતી ઉપર ઊતરતા નથી? વડાપ્રધાને, 2014માં 65 મિનિટના ભાષણમાં ‘સ્વચ્છ ભારત’ ઉપર; 2015માં 86 મિનિટના ભાષણમાં ‘કરપ્શન’ ઉપર; 2016માં 84 મિનિટના ભાષણમાં ‘વિદેશનીતિ’ ઉપર; 2017માં 57 મિનિટના ભાષણમાં ‘ન્યૂ ઈન્ડિયા’ ઉપર; 2018માં 82 મિનિટના ભાષણમાં ‘સામાજિક ન્યાય’ ઉપર; 2019માં 52 મિનિટના ભાષણમાં ‘પોપ્યુલેશન’ ઉપર અને 2020માં 86 મિનિટના ભાષણમાં ‘આત્મનિર્ભરતા’ ઉપર ભાર મૂક્યો હતો ! સ્વચ્છભારત/કરપ્શન/વિદેશનીતિ/ન્યૂ ઈન્ડિયા/સામાજિક ન્યાય/પોપ્યુલેશન અને આત્મનિર્ભરતા; આટલા મુદ્દાઓ પરત્વે માત્ર ભાષણો; જાહેરખબરો/હોર્ડિંગ્સમાં ચમકતો ચહેરો/જૂઠાં અને ગોઠવણીવાળા આંકડાઓ/ગોદી મીડિયાની ધમાલવાળી ડીબેટો/તાળીઓનો ગડગડાટ અને વાહવાહી સિવાય કોઈ ઉપલબ્ધિ ખરી? ગુજરાતના બહાદૂર PM મોરારજી દેસાઈએ 1977માં 7 મહિનામાં જ મોંઘવારી ઉપર કાબૂ મેળવી લીધો હતો; અને ચોકીદારજી, તમને 7 વરસનો સમય ઓછો પડે છે?