ઐતિહાસીક રથયાત્રા અંગે ભગવાન જગન્નાથજીને છેતરવાનું કામ શું અને કોના ઇશારે કર્યુ?

ચુંટણીમાં એક મત મેળવવા મંત્રી ભૂપેન્દ્રસિંહનું સભ્યપદ કોર્ટમાં થંભાવી શકતી ભાજપ સરકારે રથયાત્રાને મંજુરી કેમ ન અપાવી? ધાનાણી

ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પ્રેસ મિડીયાને સંબોધતા જણાવ્યુ હતુ કે કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ભાજપ સરકારે વિદેશી વાયરસને નમસ્તે કેવા માટે નોતરૂ કાઢીને ભેગા કરેલા એક લાખના ટોળાના કારણે આજ અમદાવાદને કોરોનાનુ એપી સેન્ટર બનાવી દીધુ છે.

રાજ્યમાં લાંબા લોકડાઉન દરમિયાન શારીરિક, માનસિક અને આર્થિક યાતનાઓ વેઠનારા લાખો પરિવારો આજે ક્યાય મંદીની મોકાણ, મોંઘવારીનો માર અને બેરોજગારીના માર વચ્ચે જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે અને એમ છતાં રાજ્ય સરકારની અપુરતી તકેદારી અને કથળેલી આરોગ્ય સેવાઓના કારણે જ કોરોનાનુ સંક્રમણ સતત આગળ વધી રહ્યુ છે ત્યારે હાલ નિષ્ફળ નિવડેલી સરકારે લોકોને ભગવાન ભરોસે મુકીને મોતના મુખમાં ધકેલાવા છૂટા મૂક્યા હોય એવો અહેસાસ સમગ્ર ગુજરાતમાં થઇ રહ્યો છે.

કોરોના સંક્રમણને રોકવામાં નિષ્ફળ નીવડેલ સરકારે લોકોને ભલે ભગવાન ભરોસે મોકળા મુક્યા પણ ભગવાન જગન્નાથ સૌને જીવાડશે એવી અપેક્ષા અને પ્રાર્થના સહ આપણી એકતા અને આસ્થાનું કેન્દ્ર બિંદુ સમાન ભગવાન જગન્નાથની રથયાત્રાની ભવ્ય પરંપરાને અવિરત પણે આગળ ધપાવવા અમે સરકારને વિનંતી કરી હતી. કોરોનાનુ એપી સેન્ટર બનેલા અમદાવાદમા સામ્પ્રત સ્થિતીને ધ્યાને લઇ નામદાર કોર્ટે જ્યારે ઐતિહાસીક રથયાત્રા ઉપર રોક લગાવી ત્યારે મંદિર ટ્રસ્ટ સહિત સમગ્ર ગુજરાતના લાખો ભકતોને સરકાર પાસે રથયાત્રાની મંજુરી આપાવવાની ખૂબ મોટી અપેક્ષા હતી.

લોકોને લાગી રહ્યુ હતુ કે રાજ્યસભાની ચુંટણીમાં એક મત મેળવવા માટે માન.મંત્રી ભૂપેન્દ્રસિંહજીનું સભ્યપદ કોર્ટમાં થંભાવી શકાતુ હોય ત્યારે કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે સુતેલી સરકારનો જ્યારે નામદાર કોર્ટ કાન આમળે ત્યારે બે સન્માનિય જજ સાહેબની રાતોરાત બદલી થઇ શકતી હોય તો ઐતિહાસિક પરંપરાને આગળ ધપાવવા માટે સરકાર જરૂરથી આગળ આવશે અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને મંજુરી અપાવશે તેવી સૌને અપેક્ષા હતી.

કમનસિબે નામદાર કોર્ટમા લોકોની લાગણી, માંગણી, શ્રદ્ધા અને આસ્થાનો પડઘો પાડવામાં સરકાર ઉણી ઉતરી છે અને આજ 143 વર્ષની ઐતિહાસિક પરંપરા તુટ્યાનુ સમગ્ર ગુજરાતને અત્યંત દુઃખ થયુ છે લાગે છે કે ભાજપથી હવે ખુદ ભગવાન પણ છેતરાયા છે. છેલ્લા ૨૫ વર્ષથી ખાલી ભાષણો થકી જ ભોળી પ્રજાને છેતરનારી ભાજપા સરકારે હવે અષાઢી બીજની ઐતિહાસીક રથયાત્રા અંગે ખુદ ભગવાન જગન્નાથજીને છેતરવાનું કામ શું કામ અને કોના ઇશારે કર્યુ એ સમગ્ર ગુજરાત હવે સવાલ પૂછે છે.