ભારતે વિશ્વ બેંક પાસેથી ફરીવાર 7700 કરોડની લોન કેમ લીધી?

ભારત સહિત સમ્રગ વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. આ સ્થિતિ વચ્ચે ભારત સરકારે કોરોના મહામારીનો સામનો કરવા વિશ્વ બેંક પાસેથી 100 કરોડ ડોલર એટેલે કે લગભગ 7,700 કરોડની લોન લીધી જેની જાણકારી વિશ્વ બેન્કે આપી છે.

ગુજરાતના અર્થશાસ્ત્રી હેમન્તકુમાર શાહે આ અંગે કહ્યું કે ભારત પાસે ૪૭,૪૦૦ કરોડ ડોલર હોવા છતાં ભારતે વિશ્વ બેંક પાસે 100 કરોડ ડોલર લોન લેવાની જરૂર શા માટે પડી?

ભારતનું વિદેશી દેવું 2019ના અંત સુધી 56,390 કરોડ ડોલર હતું એટેલે કે ભારત પાસે જેટલા ડોલર છે તેના કરતાં વધારે 8,990 કરોડ ડોલરનું દેવું તો છે. અને હવે આ નવી લોનથી 100 કરોડ ડોલરનો વધારો થયો છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમને પણ બજેટ ભાષણમાં કહ્યું હતું કે ભારત સરકાર ચાલુ વર્ષે રૂ.4,622 કરોડ ડોલરનું વિદેશી દેવું લેશે. અને નવા વર્ષના બીજ જ દિવસે રૂ. 7,700 કરોડ લઈ લીધા.

હવે સવાલ એ છે કે કોરોના મહામારીનો સામનો કરવા ભંડોળુ એકઠુ કરવા માટે પીએમ કેર ફંડની રચના કરી અને તેમાં એક સપ્તાહમાં જ રૂ. 6,500 કરોડ જમા થયા તો પછી વિશ્વ બેંક પાસેથી લોન લેવાની જરૂર શા માટે પડી? આટલી રકમ તો દેશના મંદિરો, મસ્જિદો, દેરાસરો,ગુરૂદ્રારા અને ચર્ચ ચલાવતાં ટ્રસ્ટો પાસેથી પણ મળી જાય અને ના આપે તો રાષ્ટ્રપતિ દ્રારા વટહુકમ બહાર પાડીને લઈ શકે છે.