પાકવિમાં અંગે સરકારનો ખેડૂત-વિરોધી, તઘલકી નિર્ણય પાછો ખેંચો

સરકારે આ નિર્ણય વીમા કંપનીઓને લાભાર્થે લીધો છે: ખેડૂત એકતા મંચ

આજે સમાચાર આવ્યા છે કે જે ખેડૂતોને પાકવીમો ‘ના’ લેવો હોય તે બેંકમાં જઈને ફોર્મ ભરે. આ નિર્ણયનો ખેડૂત એકતા મંચ સખ્ત વિરોધ કરે છે અને સરકારને અપીલ કરે છે કે આવો તઘલકી નિર્ણય તરત જ પાછો ખેંચે, ખેતીની સીઝનમાં ખેડૂતોને બિન-જરૂરી હેરાન કરવાનું સરકારે બંધ કરે તેવી માગણી ખેડૂત એકતા મંચ ના આગેવાન સાગર રબારી દ્વારા કરવામાં આવી છે.

જેને વીમો લેવો હોય એ ફોર્મ ભરે તે તો સમજાય પરંતુ નથી લેવો તે શા માટે ફોર્મ ભરે? કારણ, સરકારને ખબર છે કે થકેલા-હારેલા ખેડૂતો વીમો લેવાના નથી, એટલે એમની ”ખુબ વ્હાલી ને લાડકી” કંપનીઓનો ધંધો પડી ભાગવાનો છે. કંપનીઓનો ધંધો બચાવવા ખેડૂતોને ખુવાર કરવાનું આ કાવતરું છે.

ખેડૂતોને જાણ થશે નહીં એટલે ફોર્મ ભરવા જશે નહીં, એટલે બેન્ક વીમાનું પ્રીમિયમ કાપીને કમિશન, સર્વે ચાર્જ, ફલાણો -ઢીંકણો ચાર્જ ખેડૂતના ખાતામાંથી કાપીને કમાશે અને “”સરકારની અતિ-પ્રિય” એવી મોટી મોટી વીમા કંપનીઓ કમાશે.

ખેડૂત પૂછવા જાય તો રોકડો જવાબ મળે કે તમે ફોર્મ ના ભર્યું એટલે વીમો કાપી લેવાનો ઉપરથી આદેશ હતો એટલે પ્રીમિયમ કાપી લીધું..! એટલે ખેડૂતોએ હવે ખેતીની સીઝનમાં, કામ છોડી બેન્કની લાઈનમાં ફોર્મ ભરવા ઉભા રહેવું પડે એવી સ્થિતિ સરકારે આ તઘલકી નિર્ણયથી ઉભી કરે છે. આ નિર્ણય તરત જ પાછો ખેંચવો જોઈએ.